EPFO અને ITR ડેટાના દુરુપયોગનો ખતરો, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યા આ નિર્દેશ

📅 Published: August 25, 2026 | 📂 Category: India National

આજના ડિજિટલ યુગમાં વ્યક્તિગત ડેટાની સુરક્ષા એક મોટો પડકાર બની ગયો છે. કર્મચારીનો PAN નંબર અથવા UAN જેવી વિગતોના આધારે ખાનગી કંપનીઓ સુધી તેની નોકરી અને આવક સંબંધિત સંવેદનશીલ માહિતી પહોંચી શકે તેવા મામલે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને વ્યક્તિગત ડેટાના સંભવિત દુરુપયોગને રોકવા માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા વિકસાવવા જણાવ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની બેન્ચે એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટલીક ખાનગી ટેક્નોલોજી સિસ્ટમ્સ PAN અથવા UAN જેવી ઓળખ વિગતોના આધારે વ્યક્તિના PF અને આવકવેરા સંબંધિત રેકોર્ડમાંથી સંવેદનશીલ માહિતી મેળવી શકે છે.

ડેટાની સુરક્ષા ચિંતાનો વિષય

ચિંતાની વાત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન કેટલાક કિસ્સામાં OTP અથવા વપરાશકર્તાની સ્પષ્ટ સંમતિ જેવી સુરક્ષા વ્યવસ્થા હોતી નથી. પરિણામે વ્યક્તિને તેની માહિતી ક્યારે અને કોના દ્વારા ઍક્સેસ કરવામાં આવી તેની જાણ પણ થઈ શકતી નથી. અરજીકર્તાએ પીયૂષ શર્માએ દલીલ કરી હતી કે આ સરકારી એજન્સીઓ દ્વારા ડેટા લીકનો સીધો મામલો નથી, પરંતુ સરકારી અધિકારીઓને કાયદા હેઠળ આપવામાં આવેલી ખાનગી માહિતીની સુરક્ષા સાથે જોડાયેલો પ્રશ્ન છે.

આ મુદ્દો મુખ્યત્વે સરકારની નીતિ સાથે સંબંધિત

સુપ્રીમ કોર્ટે સીધો આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું કે આ મુદ્દો મુખ્યત્વે સરકારની નીતિ સાથે સંબંધિત છે. જોકે, કોર્ટે માન્યું કે સરકારી તંત્ર પાસે રહેલા નાગરિકોના ખાનગી ડેટા સુધી ખાનગી કંપનીઓની પહોંચ ગંભીર ચિંતાનો વિષય છે. કોર્ટે કેન્દ્ર સરકારને ક્ષેત્રના નિષ્ણાતોની મદદથી અસરકારક સુરક્ષા વ્યવસ્થા વિકસાવવા સૂચન કર્યું છે, જેથી વ્યક્તિગત ડેટાના વ્યાવસાયિક અથવા અન્ય દુરુપયોગને અટકાવી શકાય.

આ પણ વાંચો : Aashirvaad Atta Case : ‘100 ટકા’ લખવાના વિવાદમાં ITCને મળી મોટી રાહત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *