Surat News: ઉત્રાણ સ્ટેશન પાસે અમદાવાદ જઈ રહેલી વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકાયો

📅 Published: August 25, 2026 | 📂 Category: Surat

સુરતથી અમદાવાદ તરફ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર વાગવાની કે ફેંકવાની ગંભીર ઘટના સામે આવતાં જ રેલવે તંત્ર અને પોલીસ કાફલામાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરત શહેરના ઉત્રાણ રેલવે સ્ટેશન નજીકથી ટ્રેન પસાર થઈ રહી હતી તે સમયે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવની ગંભીરતા એટલા માટે વધુ વધી જાય છે કે તે સમયે ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યા હોવાની વિગતો ચર્ચામાં છે. 

કોચ નંબર C-6 અને C-10ની વિન્ડો ગ્લાસ પર પથ્થર વાગ્યા

વંદે ભારત ટ્રેન જેવી ઉત્રાણ સ્ટેશન નજીક પહોંચી કે તરત જ અચાનક બહારથી ટ્રેનના કોચ પર કોઈ વસ્તુ કે પથ્થર અથડાયાનો અવાજ આવ્યો હતો. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે ટ્રેનના કોચ નંબર C-6 અને C-10ની વિન્ડો ગ્લાસ પર પથ્થર વાગ્યા હતા. જેના કારણે કાચમાં તિરાડો પડી ગઈ હતી. સદનસીબે, કવરિંગ ગ્લાસ મજબૂત હોવાથી કાચ તૂટીને અંદર પડ્યો ન હતો અને ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા બળ, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો ત્વરિત હરકતમાં આવી ગઈ હતી. 

પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી

પોલીસે તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન તપાસનો દોર શરૂ કરી દીધો છે. આ પથ્થર કોઈ અજાણ્યા તત્વો દ્વારા ઈરાદાપૂર્વક મારવામાં આવ્યો છે કે પછી ટ્રેનની સ્પીડના કારણે ટ્રેક પરથી જ કોઈ પથ્થર ઊછળીને વાગ્યો છે તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. અગાઉ ગત ફેબ્રુઆરી મહિનામાં પણ સુરતથી મુંબઈ જઈ રહેલી વંદેભારત ટ્રેન પર પથ્થર ફેંકાયા હતાં. પથ્થર ફેંકાવાથી બારીનો કાચ ફૂટી ગયો હતો. આ ઘટનામાં એક સગીર બાળકને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત વર્ષ 2023માં પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી બેઠા હતાં તે ટ્રેનમાં જ પથ્થર મારાની ઘટના સામે આવી હતી. 

આ પણ વાંચોઃ Junagadh News: બજેટ નામંજૂર થતાં વિકાસ કમિશનરે ઈટાળી પંચાયત બરખાસ્ત કરી, હવે વહીવટદાર મુકાશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *