મુંબઇથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો:આનંદીબેન પટેલ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સુરક્ષિત, સામાન્ય કોચના કાચ ક્રેક, શંકાસ્પદ યુવકની અટકાયત

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22961) પર સુરત નજીક પથ્થરમારા થયો છે. સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ ઉત્રાણ સ્ટેશન પાસેથી પસાર થતી વખતે અસામાજિક તત્ત્વોએ ટ્રેન પર પથ્થરો ફેંક્યા હતા. આ ઘટના વખતે ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મુસાફરી કરી રહ્યાં હતાં. જોકે તેઓ એક્ઝિક્યુટિવ કોચમાં હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી. ટ્રેનના સામાન્ય ચેરકાર કોચ C-6 અને C-10ના કાચ ક્રેક થયા હતા, જેના કારણે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પશ્ચિમ રેલવે PRO અનુભવ સક્સેનાએ ભાસ્કરને કહ્યું હતું કે, સુરતથી ટ્રેન નીકળ્યા બાદ ઉત્રાણ રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થર મારો થયો હોવાની વિગત મળી હતી. જેથી તાત્કાલિક RPFને જાણ કરી હતી. અંકલેશ્વર આરપીએફના ઇન્સ્પેક્ટર તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાંથી એક શંકાસ્પદ યુવાનને પકડી પાડવામાં આવ્યો છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
નશાની હાલતમાં શંકાસ્પદ યુવક ઝડપાયો
VVIP મુસાફર સવાર હોવાની માહિતી વચ્ચે પથ્થરમારાના સમાચાર મળતાં જ રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. અંકલેશ્વર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી. RPFની ટીમે ટ્રેક નજીકથી આશરે 30 વર્ષીય એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે, જોકે તેની ઓળખ અને પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હુમલા પાછળના ઈરાદા અંગે તપાસ શરૂ
સુરક્ષા એજન્સીઓ હાલ પકડાયેલા શંકાસ્પદ શખ્સની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે કે પથ્થરમારો માત્ર નશાની હાલતમાં કરાયો હતો કે પછી તેની પાછળ કોઈ અન્ય ષડયંત્ર કે ઈરાદો હતો. આ ઘટના બાદ રેલવે પ્રશાસને સુરત-અમદાવાદ રેલવે ટ્રેક આસપાસ પેટ્રોલિંગ વધારી સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *