Anand: રેલવેમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર 'બંટી-બબલી' ઝડપાયા

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

સરકારી નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા યુવાનોને જાળમાં ફસાવી લાખો રૂપિયા ચાંઉ કરી જતી ઠગ ટોળકી સામે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રેલવે વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી અપાવવાની ખોટી લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર રીઢા ગુનેગાર તુષાર પુરોહિત અને તેની મહિલા સાગરીત (બંટી-બબલી)ને પોલીસે દબોચી લીધા છે.

આણંદ વિસ્તારના 6 યુવાનો સાથે ઠગાઈ

આરોપીઓ પોતાને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવતા હતા અને નોકરીની શોધમાં ભટકતા બેરોજગાર યુવાનોનો સંપર્ક કરતા હતા. વિશ્વાસ સંપાદિત કર્યા બાદ તેઓ યુવાનોને રેલવેના બનાવટી (બોગસ) ઓફર લેટર, આઈ-કાર્ડ તેમજ રેલવે કોર્ટના નકલી પત્રો બનાવીને આપતા હતા અને બદલામાં મોટી રકમ પડાવતા હતા. આ ઠગ જોડીએ આણંદ વિસ્તારના 6 યુવાનોને પોતાના શિકાર બનાવી તેમની પાસેથી કુલ રૂ. 5.07 લાખની રકમ હડપ કરી લીધી હતી. નોકરી ન મળતાં અને આપેલા દસ્તાવેજો નકલી હોવાની જાણ થતાં યુવાનોએ સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તુષાર પુરોહિત સહિત બંને આરોપીઓને અદાલતમાં રજૂ કરી 5 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ બંટી-બબલીની જોડીએ માત્ર 6 જ નહીં, પરંતુ 16થી વધુ યુવાનો સાથે નોકરીના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.સાયબર ક્રાઇમ પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ અન્ય કેટલા યુવાનોને છેતર્યા છે અને ઠગાઈના નાણાં ક્યાં રોક્યા છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો: Upleta: પડવલા ગામે સામાન્ય તકરારમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી, પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *