રાજ્યમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર હોનારતો અને દારૂબંધીના કડક અમલ વચ્ચે પણ બૂટલેગરો વડોદરા શહેરમાં વિદેશી શરાબ ઘુસાડવા અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. જોકે, વડોદરા શહેર પોલીસની પ્રોહિબિશન કંટ્રોલ બ્રાન્ચ (PCB) એ બૂટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે. PCB ની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર પાસિંગના એક કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો શહેર તરફ આવી રહ્યો છે.
કન્ટેનરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત
આ બાતમીના આધારે PCB ની ટીમે વડોદરાના નેશનલ હાઇવે પર આવેલા ગોલ્ડન ચોકડી ખાતે કડક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર નંબર MH 04 KF 7622 આવી પહોંચતાં પોલીસે તેને તુરંત કોર્ડન કરીને અટકાવ્યું હતું. પોલીસ ટીમે કન્ટેનરની તલાશી લેતાં તેમાંથી ગુપ્ત ખાના અને કન્ટેનરની અંદર છુપાવેલો વિદેશી શરાબનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક ગણતરી મુજબ કન્ટેનરમાંથી 100 થી વધુ વિદેશી શરાબની પેટીઓ મળી આવી છે.
કન્ટેનર ચાલકની અટકાયત
PCB એ કન્ટેનર ચાલકની ઘટનાસ્થળેથી જ અટકાયત કરી લીધી છે અને કન્ટેનર તથા શરાબનો જથ્થો કબજે કર્યો છે. તાજેતરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાઓ બાદ પણ બૂટલેગરો બેફામ બની દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું બહાર આવતાં પોલીસે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને વડોદરામાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં PCB પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: Anand: રેલવેમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર ‘બંટી-બબલી’ ઝડપાયા
