દિલ્હીની લી મેરિડિયન હોટેલમાં મંગળવારે 37 વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, દિવિજે નામના વ્યક્તિએ હોટેલના ચોથા માળેથી પૂલ સાઈડ તરફ કૂદકો માર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના આત્મહત્યાની હોવાનું માનવામાં આવી રહી છે, જોકે તેણે આ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી
પોલીસને મંગળવારે બપોરે આશરે 3 વાગ્યા બાદ હોટેલમાંથી ઘટનાની જાણકારી આપતો PCR કોલ મળ્યો હતો. માહિતી મળતાં જ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિ ચોથી માળેથી પૂલ સાઇડ તરફ કૂદી પડ્યો હોવાની માહિતી મળી હતી.
ઘટના બાદ દિવિજને ગંભીર હાલતમાં સારવાર માટે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પોલીસ અને ક્રાઈમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા.
ડિપ્રેશનનો શિકાર હતો વ્યક્તિ
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દિવિજે આશરે છ મહિના પહેલાં ગુરુગ્રામની એક કંપનીમાં પોતાની નોકરી છોડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી તેની ડિપ્રેશનની સારવાર પણ ચાલી રહી હતી. દિવિજ પરિણીત હતો. ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 194 હેઠળ ઈન્ક્વેસ્ટ કાર્યવાહી શરૂ કરી છે.
મોત પાછળનું ચોક્કસ કારણ શું?
પોલીસ હવે ઘટનાના તમામ પાસાંની તપાસ કરી રહી છે. દિવિજ હોટેલમાં શા માટે આવ્યો હતો, ઘટના પહેલાં તેની કોઈ સાથે વાતચીત થઈ હતી કે નહીં અને મોત પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા પરિવારજનો અને અન્ય સંબંધિત લોકો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે.
