સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામમાં પરિવારની ગેરહાજરીમાં ઘરે એકલી રહેલી 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂટની ઘટનાએ સમગ્ર જિલ્લાને હચમચાવી નાખ્યો છે. ભણવામાં હોશિયાર અને વિદેશ જવાની તૈયારી કરી રહેલી દીકરીની હત્યાથી સમગ્ર પરિવાર આઘાતમાં છે. પરિવારની એક જ માંગ છે કે જ્યાં સુધી હત્યારો નહીં પકડાય ત્યાં સુધી દીકરીના અંતિમ સંસ્કાર નહીં કરીએ. ઘટના બાદથી ગોદાવાડી ગામમાં ભયનો માહોલ છે. દિવ્ય ભાસ્કર ભોગ બનનાર પરિવારના ઘરે પહોંચ્યું હતું, જ્યાં પરિવારના સભ્યો અને આસપાસના લોકો સાથે વાતચીત કરી હતી. દીકરીના મોઢા પર ત્રણ કોથળી બાંધેલી હતી : પિતા વાસુદેવભાઈ
આ સમગ્ર ઘટના અંગે મૃતક નિધિના પિતા વાસુદેવભાઈ પટેલે કહ્યું, “અમે 3 રાત્રિ- 2 દિવસના ડાકોર અને આબુ-અંબાજી પ્રવાસે ગયા હતા. 23 ઓગસ્ટની ઘટનાની રાત્રે ડાકોરથી નીકળતા હતા ત્યારે 9:28 વાગ્યે દીકરી સાથે ફોન પર વાત કરી હતી કે રાત્રે 3:00 વાગ્યા આસપાસ અમે ઘરે પહોંચીશું. અમે ઘરે પહોંચ્યા, બે વાર બેલ માર્યા તો દરવાજો ખૂલ્યો નહીં. દીકરીના ફોનમાં કોલ કર્યો તો ફોન બંધ હતો. એક બારી ખોલીને જોયું તો દીકરી દેખાઈ ન હતી. પંખા અને લાઇટ ચાલુ હતા એટલે હું ગભરાઈને ઘરની પાછળ ગયો. ઘરનું પાછળનું બારણું આડું હતું. દીકરી કોઈ જગ્યાએ ન દેખાતા અમે શોધખોળ કરી. દાદરો ચડીને ઉપર જઈને જોયું તો અમારી દીકરીનો મૃતદેહ પડ્યો હતો. તેના મોઢા પર ત્રણ કોથળી બાંધી હતી, ત્રણ દોરી બાંધી હતી અને ચોથી દોરી બાંધી હત્યા કરી હતી. ઘરમાંથી 25 હજાર રોકડ 5 હજારનું નવી નોટોનું બંડલ, ચેઇન-વીંટી અને સાંકળાની લૂટ થઈ છે.” હત્યારો ન પકડાય ત્યાં સુધી અંતિમસંસ્કાર નહીં કરીએ : પિતા વાસુદેવભાઈ
પિતા વાસુદેવભાઈ વધુમાં કહ્યું, “નિધિએ એન્જિનિયરિંગ પૂરું કર્યા બાદ IELTSની તૈયારી કરતી હતી. પાસપોર્ટ પણ તૈયાર કરી નાખ્યો હતો. IELTS પૂરું કરીને વિઝા મારે એપ્લાય કરવાની હતી. 2-5 મહિનામાં કેનેડા જવાની તૈયારી હતી.પોલીસની કામગીરી સારી છે, પણ અમારી એક જ માંગ છે કે અમને ન્યાય જોઈએ. દીકરીઓની સલામતીની બહાર તો દૂરની વાત, ઘરમાં પણ દીકરીઓ સલામત નથી. જે મારી દીકરી સાથે બન્યું, અમારા સાથે બન્યું એ બીજા કોઈની સાથે ન બને માટે જ્યાં સુધી હત્યારો નહીં પકડાય ત્યાં સુધી અમે દીકરીના અંતિમસંસ્કાર નહીં કરીએ.” હત્યારો પરિચિત હોવાની શંકા
નિધિ પટેલની ઘાતકી હત્યામાં ઘટનાસ્થળની પરિસ્થિતિ જોતાં પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હોવાનો માત્ર દેખાવ ઊભો કરવામાં આવ્યો છે. કારણ કે ગુનેગારો ઘરના પાછળના બારણેથી કોઈપણ પ્રકારના વિરોધ વગર પ્રવેશ્યા હોવાનું લાગી રહ્યું છે, જેથી હત્યારો કોઈ પરિચિત હોવાની પૂરેપૂરી શક્યતા છે. ઉપરાંત લૂંટારાઓને અગાઉથી જ ઘરમાં કોણ છે અને કબાટ ક્યાં છે એ પણ ખબર હતી. હાલ પોલીસની તપાસ પણ આ જ દિશામાં આગળ વધી રહી છે કે આ ઘટના પાછળ માત્ર ચોરી કે લૂંટનો ઇરાદો નથી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓએ ગામમાં જ ધામા નાખ્યા છે. નિધિના કોલેજ મિત્રો અને અન્ય પરિચિતોને પોલીસ પૂછપરછ માટે બોલાવી રહી છે. મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી પોલીસ હાલ સત્તાવાર રીતે કંઈ કહી રહી નથી. હત્યારાને પકડવા પોલીસની 8 ટીમો કામે લાગી
ઘટનાની પોલીસ તપાસ અંગે સુરત ગ્રામ્ય રાજેશ ગઢિયાએ જણાવ્યું કે તેમના માર્ગદર્શનમાં DySP, 4 PI, 8 PSI થઈને કુલ 8 ટીમ અલગ-અલગ ટાસ્ક સાથે કામે લાગી છે. માંડવી PI જે.એસ. વળવી તપાસ કરી રહ્યા છે. FSL અને ડોગસ્કવોડની મદદ લીધી છે, ઘટનાએથી ફિંગરપ્રિન્ટ પણ લીધા છે. પરિવારના સ્વજનોના પણ નિવેદન લીધા છે. પોલીસ ગુનો સત્વરે ડિટેક્ટ કરવાના પ્રયાસો કરી રહી છે. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસની ટીમ ડૉક્ટરના સતત સંપર્કમાં છે. નિધિનું વિદેશ જવાનું સપનું અધૂરું રહ્યું
હત્યાનો ભોગ બનેલી આશાસ્પદ યુવતી નિધિ પટેલ ભણવામાં અત્યંત હોશિયાર હતી. તેનું વિદેશ જઈને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાનું સ્વપ્ન હતું. નિધિની એક બહેન કેનેડામાં સ્થાયી છે, જ્યારે બીજી બહેન મહારાષ્ટ્રના પુણે ખાતે વ્યવસાય કરે છે. પરિવારનું લાડકવાયું અને હોશિયાર સંતાન એવી નિધિનું આ રીતે અકાળે મોત થતાં કેનેડા અને પુણે રહેતી બહેનો તેમજ માતા-પિતા પર આભ તૂટી પડ્યું છે.
'દીકરીના મોઢા પર ત્રણ કોથળી બાંધેલી હતી':પિતાએ કહ્યું- 'પુત્રી કેનેડા જવાની તૈયારી કરતી, અંતિમ સંસ્કાર નહીં કરીએ', માંડવી મર્ડર વીથ લૂંટમાં હત્યારો પરિચિત હોવાની શંકા
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
