ફ્રાન્સ અને લાતવિયામાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ:આણંદના યુવક પાસેથી વડોદરાના એજન્ટે 9.50 લાખ રૂપિયા પડાવ્યા, વિદેશમાં મોકલી TRC કાર્ડના નામે પણ ધક્કા ખવડાવ્યા

📅 Published: August 25, 2026 | 📂 Category: gujarati-news

વિદેશમાં સારી નોકરી અને કમાણીના સપના સાથે કન્સલ્ટન્સીનો સંપર્ક કરનાર આણંદના 23 વર્ષીય યુવક સાથે રૂ.9.50 લાખની છેતરપિંડી કરવામા આવી છે. ફ્રાન્સમાં વર્ક વિઝા અપાવવાના વાયદાથી શરૂ થયેલી વાતચીત બાદ યુવકને લાતવિયા મોકલવામાં આવ્યો હતો. જોકે ત્યાં પહોંચ્યા બાદ પણ નોકરી અને TRC કાર્ડનું કામ પૂર્ણ ન થતાં આખરે યુવકને ખાલી હાથે ભારત પરત ફરવાની ફરજ પડી હતી. રૂપિયા પરત નહીં મળતા તથા વિઝા પણ નહીં કાઢી આપતા યુવકે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આણંદ જિલ્લાના નિસરાયા ગામના યુવકે નોધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2024માં સયાજીગંજ મનુભાઈ ટાવરમાં આવેલી વાયબ્રન્ટ ઓવરસીઝનો સંપર્ક કર્યો હતો. કન્સલ્ટન્સીના સંચાલક પંકજ સંઘવીએ ફ્રાન્સમાં નોકરી સાથે રહેવા-જમવાની સુવિધા અને વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી રૂ.6.50 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. યુવકે શરૂઆતમાં રૂ.50 હજાર ચૂકવ્યા હતા. જોકે ત્રણ-ચાર મહિના બાદ પણ વિઝાનું કામ આગળ ન વધતાં તેણે રકમ પરત માંગી હતી. આ પછી પંકજ સંઘવીએ ફ્રાન્સના બદલે લાતવિયામાં નોકરી અપાવવાની વાત કરી હતી. બિઝનેસ વિઝા પર લાતવિયા પહોંચ્યા બાદ ચાર-પાંચ દિવસમાં વર્ક પરમિટ અને TRC કાર્ડ મળી જશે તેવી ખાતરી આપવામાં આવી હતી. યુવકે અલગ-અલગ તારીખે પંકજ સંઘવી તથા તેમના જણાવ્યા મુજબ મનીષ ઠક્કરના ખાતામાં રૂ.9.50 લાખ ચૂકવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
9 ફેબ્રુઆરી 2026ના રોજ યુવક લાતવિયા પહોંચ્યો ત્યારે એરપોર્ટ પર તેને લેવા કોઈ આવ્યું નહોતું. ત્યારબાદ હોટલમાં રોકાણ કરાવી TRC કાર્ડ માટે 28 દિવસ સુધી વાયદા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વધુ 6 હજાર યુરોની માંગણી કરવામાં આવતા યુવકે રકમની વ્યવસ્થા ન કરી શકતાં 11 માર્ચે ભારત પરત ફરવું પડ્યું હતું.
યુવકની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ અને યુવક પાસેથી લેવામાં આવેલી રકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે સહિતની હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *