રક્ષાબંધન પર્વ પહેલાં રાજ્યની માતા-બહેનો અને મુસાફરોને રાજ્ય સરકારે નવી ST બસની ભેટ આપી છે. ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 101 નવી એસ.ટી.બસનું લોકાર્પણ કરી લીલીઝંડી આપી હતી. નવી 101 બસમાં 71 સુપર એક્સપ્રેસ, 20 મિની અને 10 સ્લીપર કોચ બસનો સમાવેશ થાય છે. બસમાં સ્વચ્છતા, મુસાફરોની સુવિધા અને આરામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રક્ષાબંધનના વિશેષ સંચાલનમાં આ નવી બસનો પણ ઉપયોગ કરવામાં આવશે. મહિલા કંડક્ટરોએ બાંધી રાખડી,હર્ષ સંઘવીએ આપી ભેટ
કાર્યક્રમમાં બસોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરના મેયર મીરા પટેલે બસને કંકુના ચાંદલા કર્યા હતા. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ ડ્રાઈવરને બસની ચાવી અર્પણ કરી હતી. તેમણે નવી બસમાં બેસી નિરીક્ષણ પણ કર્યું હતું. એ સાથે મહિલા કંડક્ટરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અર્જુન મોઢવાડિયાને રાખડી બાંધી રક્ષાબંધનની આગોતરી ઉજવણી કરી હતી. હર્ષ સંઘવીએ મહિલા કંડક્ટરોને ભેટ પણ આપી હતી. ST નિગમના કર્મચારીઓ તહેવાર દરમિયાન પણ 24 કલાક મુસાફરોની સેવા કરતા રહે છે, જેને લઈને નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રક્ષાબંધન પર્વને લઈ 6500 એક્સ્ટ્રા ટ્રીપ
રક્ષાબંધન દરમિયાન મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખી આજે 26 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં આશરે 6,500 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરો ઉપરાંત અંબાજી, પાવાગઢ અને સોમનાથ સહિતના તીર્થધામોના રૂટ પર વિશેષ બસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત રક્ષાબંધનને ધ્યાનમાં રાખી 65 નવા રૂટ પર નવી બસ મૂકવામાં આવશે. મુસાફરો માટે ઓનલાઈન તેમજ ડેપો પરથી એડવાન્સ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગત વર્ષે 6,402 એક્સ્ટ્રા ટ્રીપથી 3.33 લાખ મુસાફરોને સેવા
ગત વર્ષે રક્ષાબંધન દરમિયાન ST નિગમ દ્વારા 6,402 વધારાની ટ્રીપ દોડાવવામાં આવી હતી અને આશરે 3.33 લાખ મુસાફર નોંધાયા હતા. આ વર્ષે મુસાફરોની સંખ્યા અને ઘસારો ધ્યાનમાં રાખીને વધારાની ટ્રીપનું આયોજન 6,500 સુધી વધારવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક માટેનું પરિવહન એટલે ST:મોઢવાડિયા
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, એસટી બસ એ સામાન્ય નાગરિકોનું પરિવહન માધ્યમ છે. નવી 101 બસમાં સ્લીપર, નોર્મલ અને મિડી બસોનો સમાવેશ થાય છે. મુસાફરોને વધુ સારી સુવિધા અને સ્વચ્છતા મળે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. આદિવાસીઓના ધરણા અને પ્રશ્નોની બેઠકમાં ચર્ચા
આ કાર્યક્રમ ઉપરાંત આદિજાતિ વિકાસના વિવિધ મુદ્દાઓ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સાગબારા અને ઉમરપાડામાં ચાલી રહેલા ધરણા તેમજ આદિવાસીઓના જમીન અધિકાર સંબંધિત પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનકાળ દરમિયાન જમીનના સાચા દાવાઓને મંજૂરી આપી હજારો એકર જમીનના અધિકાર આપવામાં આવ્યા છે. કેટલાક લાભાર્થીઓને અધિકારપત્ર મળ્યા બાદ તેની 7/12માં નોંધ કરાવવી જરૂરી હોવાથી રેવન્યુ વિભાગને સાથે રાખી બેઠક કરવામાં આવી હતી. પડતર કેસોનો તાત્કાલિક નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જમીનના દાવા ઉપરાંત આદિવાસી સમાજના અન્ય પ્રશ્નો અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી પી.સી.બરંડા, મંત્રી જયરામ ગામીત, ગાંધીનગર મેયર મીરા પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત ST નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રક્ષાબંધન પહેલા ગુજરાતને 101 નવી ST બસની ભેટ:આજથી 30 ઓગસ્ટ સુધી 6500 એક્સ્ટ્રા ટ્રીપ દોડશે, 71 સુપર એક્સપ્રેસનો સમાવેશ; ગાંધીનગરમાં હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
