સૌરાષ્ટ્ર યુનિ.ની નવી લાઇબ્રેરી લોકાર્પણના 24 દિવસ બાદ પણ બંધ:ગુજરાતની પ્રથમ 24 કલાક ખૂલ્લી રહેનારી લાઇબ્રેરી શરૂ ન થતા વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 24 કલાક ખૂલ્લી રહેનારી અદ્યતન લાઇબ્રેરીનું રૂ.7.71 કરોડના ખર્ચે ગત 2 ઓગસ્ટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના 24 દિવસ બાદ પણ હજુ આ આધુનિક લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી નથી. RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફીકેશન) સિસ્ટમ સાથે 5 લાખ જેટલા પુસ્તકોનો ડિજિટલ રેકોર્ડ અને વાઈફાઇ રૂમ સાથેની સુવિધાસભર આ લાઇબ્રેરી રીડિંગ માટે ખૂલ્લી ન મુકાતા વિદ્યાર્થીઓમાં આંતરિક રોસ જોવા મળી રહ્યો છે. અગાઉ કોરોના કાળને લીધે આ બિલ્ડીંગનું બાંધકામ અટક્યું હતું તો બાદમાં TRP અગ્નિકાંડને પગલે 9 મીટરથી વધુ ઉંચાઈવાળા બિલ્ડીંગમાં ફાયર NOC નો નિયમ આવતા નવી લાઇબ્રેરીનું લોકાર્પણ લાંબા સમયથી અટક્યું હતું. જોકે હવે જૂની લાઇબ્રેરીમાંથી પુસ્તકો સહિતની ચીજ વસ્તુઓ નવી લાઇબ્રેરીમાં શિફ્ટ કરવામાં તેમજ RFID લગાવવામાં ભારે વિલંબ થતા વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાથી વંચિત રહ્યા છે. વર્ષ 2024ની શરૂઆતમાં બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2021ના અંતમાં અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે બાદ કોરોનાને લીધે 8 માસ સુધી મજૂરો ન આવતા કામ શરૂ થઈ શક્યું ન હતું. જોકે બાદમાં આ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું અને વર્ષ 2024ના શરૂઆતમાં બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થઈ ચૂકી હતી. જોકે તે બાદ બિલ્ડીંગનું લોકાર્પણ ન થતા વિદ્યાર્થીઓને નવી લાઇબ્રેરીમાં 24 કલાક વાંચન અને આધુનિક ફેસીલીટીનો લાભ ન મળ્યો કારણકે ફાયર એનઓસીમાં ખૂબ વિલંબ થયો. ઓટોમેથડ સિસ્ટમથી લાઇબ્રેરી કાર્યરત રહેશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં રૂ. 7.71 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ ત્રણ માળની લાઇબ્રેરીનું બિલ્ડીંગ કંઈક એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં સૂર્યના સીધા કિરણો આ બિલ્ડીંગ ઉપર પડે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ ઉર્જા સાથે વાંચન કરી શકે. આ ઉપરાંત ઓટોમેથડ સિસ્ટમથી લાઇબ્રેરી કાર્યરત રહેશે એટલે વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ આઇડી કાર્ડ સ્કેન કરતાની સાથે થઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે હાલ અહીં ફાયર એનઓસીનું કામ બાકી છે. જે પૂર્ણ થતાની સાથે જ ટૂંક સમયમાં આ અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીમાં 5 લાખ પુસ્તકો હશે યુનિવર્સિટીની નવી લાઇબ્રેરીમાં પાંચ લાખ જેટલા પુસ્તકો રહેશે. આ સાથે જ ઘણા બધા સંદર્ભ ગ્રંથો પણ છે. અમુક ઓરીજનલ સ્ક્રીપ્ટ છે. ઘણા પૌરાણિક સિક્કાઓ કે જે અત્યારે દુર્લભ છે તેનું પણ અહીં પ્રદર્શન રાખવામાં આવેલુ છે. આ ઉપરાંત 25 વિદ્યાર્થીઓ માટે વાઇફાઇ રૂમ બનાવવામાં આવ્યો છે. હાલની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા માટે સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે. જોકે નવી લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ 24 કલાક વાંચી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા વિદ્યાર્થીઓને રીડિંગ માટે શાંત વાતાવરણ મળી રહે તે પ્રકારે લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડિજિટલ લાઇબ્રેરીમાં સુવિધા આ નવી લાઇબ્રેરીમાં પાઠ્યપુસ્તકો સહિતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એન્ટ્રી અને એક્ઝિટ માટે RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફીકેશન) સિસ્ટમ રાખવામાં આવી છે. આ ઉપરાંત બિલ્ડીંગની ડિઝાઇન એ રીતે બનાવવામાં આવી છે કે પૂરતો સૂર્યપ્રકાશ અહીં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને મળે જેથી તેઓ પ્રાકૃતિક વાતાવરણમાં વાંચન કરી શકે અને પોઝિટિવિટી પણ આવે. લાઇબ્રેરીનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાચનું છે. જેમાં ઇ કન્ટેન્ટની સુવિધા પણ વિદ્યાર્થીઓને મળી રહેશે જેને આપણે ડિજિટલ લાઇબ્રેરી કહીએ છીએ. આ ઉપરાંત વાઇફાઇની પણ સુવિધા રાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ ઈ બુક્સનો પણ ઉપયોગ કરી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં હાલ 97 વિદ્યાર્થીઓ રીડિંગ કરી શકે તેવી વ્યવસ્થા આ ઉપરાંત વધુમાં જાણવા મળતી વિગત મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં હાલ 97 વિદ્યાર્થીઓ રીડિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે અને અહીં 2.58 લાખ જેટલા પુસ્તકો છે. જોકે હાલની લાઇબ્રેરીમાં પિરિયોડિકલ સેક્શન એટલે કે અલગ અલગ પ્રકારના અખબારો અને જર્નલ્સ રાખવામાં આવેલા છે તે બંધ છે કારણકે અહીં વરસાદને કારણે પાણી પડતું હોવાથી ત્યાં હાલ રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે. નવી લાઇબ્રેરીની ખાસિયત 1. સૌરાષ્ટ્રમાં પ્રથમ એવી લાઇબ્રેરી કે જેનું કાચનું બિલ્ડીંગ ગોળાકાર 2.દિવસે લાઈટ ન હોય તો પણ વિદ્યાર્થીઓ વાંચી શકે તે માટે રિફ્લેક્ટિવ ગ્લાસ નાખવામાં આવ્યા છે. 3.જમીનથી ત્રણ ફૂટ ઊંચું બાંધકામ જેથી આ બિલ્ડીંગની આકર્ષકતા જળવાઈ રહે. 4.બિલ્ડીંગની આસપાસ ગાર્ડન કે જેમાં વૃક્ષારોપણ કરાશે. જેથી વિદ્યાર્થીઓ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે રીડિંગ કરી શકશે. 5.ત્રણ માળના બિલ્ડિંગમાં 2 લિફ્ટ રાખવામાં આવી છે. દરેક માળ પર સ્ટોરેજ રૂમ અને બુક એરીયા 6.એક સાથે 1000 વિદ્યાર્થીઓ અહીં આરામથી બેસીને વાંચી શકે તે પ્રકારની વ્યવસ્થા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *