CM ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા-કેનેડા પ્રવાસ પૂર્ણ:27 ઓગસ્ટે વહેલી સવારે 4 વાગ્યે અમદાવાદ આગમન, આવતાની સાથે જ બેઠકોનો દૌર શરૂ થશે

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027 ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલો અમેરિકા અને કેનેડાનો ઉચ્ચ સ્તરીય પ્રવાસ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. મુખ્યમંત્રી વાયા દુબઈ થઈને 27 ઓગસ્ટના રોજ વહેલી સવારે આશરે 4:00 વાગ્યે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પરત ફરશે. વિદેશની ધરતી પર વૈશ્વિક ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ બેઠકો પૂર્ણ કર્યા બાદ સ્વદેશ પરત ફરતાં જ મુખ્યમંત્રીનો ગુરુવારનો દિવસ વિવિધ વહીવટી અને જાહેર કાર્યક્રમોથી ભરચક રહેવાનો છે. વાઈબ્રન્ટ સમિટ-2027 માટે વૈશ્વિક રોકાણકારો સાથે વ્યાપક બેઠકો યોજાઈ
ગુજરાતને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે વધુ મજબૂત કરવાના હેતુથી યોજાયેલા આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અને પ્રતિનિધિમંડળે અમેરિકા અને કેનેડાના અગ્રણી ઉદ્યોગગૃહો, વેપારી સંગઠનો અને સંભવિત રોકાણકારો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કરી હતી. રાજ્યમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, આઈટી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી તકો ઊભી કરવા તેમજ રોજગારીનું સર્જન કરવા માટે રાજ્ય સરકારે અત્યારથી જ રોકાણકારો સાથે ગ્રાઉન્ડવર્ક મજબૂત કર્યું છે. પ્રવાસ દરમિયાન થયેલી ચર્ચાઓને આગામી દિવસોમાં વાસ્તવિક પ્રોજેક્ટ્સ અને એમઓયુ (MoU) માં રૂપાંતરિત કરવા પર તંત્રનું વિશેષ ધ્યાન રહેશે. 27 ઓગસ્ટે અમદાવાદ આગમન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે કાર્યક્રમમાં જોડાશે
લાંબા વિદેશ પ્રવાસ બાદ 27 ઓગસ્ટે વહેલી સવારે અમદાવાદ ઉતરાણ કર્યા પછી પણ મુખ્યમંત્રીના કાર્યક્રમો સતત ચાલુ રહેશે. અમદાવાદ પરત ફર્યા બાદ તેઓ ગુરુવારે રાજ્યમાં આયોજિત વિવિધ સરકારી અને વિકાસલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ખાસ કરીને રાજ્યમાં યોજાનારા કેન્દ્રીય ગૃહમંત્રીના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી સહભાગી બનશે, જેને લઈને રાજ્યના વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સચિવાલય ખાતે ‘સ્વાગત ઓનલાઈન’ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
ગુજરાત પરત ફરતાં જ મુખ્યમંત્રી શાસન વ્યવસ્થા અને જનસમસ્યાઓના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગુરુવારે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો ‘સ્વાગત ઓનલાઈન’ લોકફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. રાજ્યભરના નાગરિકોની પડતર રજૂઆતો અને પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ સચિવો અને વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આમ, વિદેશ પ્રવાસથી પરત ફરતાં જ મુખ્યમંત્રી લોકસેવા અને વહીવટી કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *