ધ્રાંગધ્રાની એસ.એસ.પી. જૈન કોલેજ ખાતે રાજકોટ NCC ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે NCC યુનિટની મુલાકાત લીધી હતી. તેમણે કોલેજના NCC કેડેટ્સને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. પ્રતિકભાઈ દવે, CTO ડૉ. ડી.એમ. ચૌધરી, ભૂતપૂર્વ NCC ઓફિસર કેપ્ટન ડૉ. જે.આર. ડાંગર અને NCC કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિગેડિયર બિશ્વાસે કોલેજના આચાર્ય, CTO, NCC ઓફિસર અને બોયઝ-ગર્લ્સ બંને NCC યુનિટના કેડેટ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે યુનિટની વિવિધ પ્રવૃત્તિઓ અને તાલીમ અંગેની માહિતી મેળવી હતી. આચાર્ય ડૉ. પ્રતિકભાઈ દવેએ બ્રિગેડિયરનું શાબ્દિક અભિવાદન કરી સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે NCCના મહત્વ અને તેના ફાયદાઓ વિશે કેડેટ્સને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ‘એકતા અને અનુશાસન’ના મૂળભૂત મૂલ્યોને જીવનમાં અપનાવવા પ્રેરણા આપી. ત્રણ વર્ષની NCC તાલીમ દરમિયાન યોજાતા વિવિધ કેમ્પ, તાલીમ અને ઉપલબ્ધ તકો વિશે પણ તેમણે જાણકારી આપી હતી. બ્રિગેડિયરે તમામ NCC કેડેટ્સને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં 26 ગુજરાત બટાલિયન NCC, સુરેન્દ્રનગરના કમાન્ડિંગ ઓફિસર નીરજ સુદ (શૌર્ય ચક્ર)નું પણ કેપ્ટન ડૉ. જે.આર. ડાંગર અને CTO ડૉ. ડી.એમ. ચૌધરી દ્વારા સ્વાગત-સન્માન કરાયું હતું. સુબેદાર મેજર સોનમજીનું SUO હર્ષદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. NCC તાલીમથી થયેલા લાભો અને અનુભવો વિશે ઝાલા યુવરાજસિંહ, પલાણી હર્ષા અને રાઠોડ સાધનાએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા. કેડેટ્સે NCC દ્વારા પ્રાપ્ત શિસ્ત, આત્મવિશ્વાસ અને વિવિધ પ્રવૃત્તિઓના અનુભવો વર્ણવ્યા. રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર NCC કેડેટ્સ લરખડિયા હેતલ અને મેહુલ તેમજ તેમની ટીમોનું પી.આઇ. સ્ટાફ દ્વારા સન્માન કરાયું. આ સન્માનથી કેડેટ્સની પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું અને સમગ્ર NCC યુનિટમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન એસ.એસ.પી. જૈન કોલેજના NCC યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિગેડિયરની આ મુલાકાતથી NCC કેડેટ્સને પ્રેરણા, માર્ગદર્શન અને સૈન્ય શિસ્ત તેમજ નેતૃત્વના ગુણો અંગે મૂલ્યવાન સમજ પ્રાપ્ત થઈ.
બ્રિગેડિયર સુશીમ બિશ્વાસે ધ્રાંગધ્રા NCC યુનિટની મુલાકાત લીધી:કેડેટ્સને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
