Gandhinagar News: ભાજપના રાષ્ટ્રીય નેતા સતીષ પુનિયા અને તરુણ ચૂગ ગુજરાત પ્રવાસે આવશે

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત ભાજપના સંગઠનને વધુ મજબૂત અને સક્રિય કરવાના હેતુથી આગામી સપ્તાહમાં ભારતીય જનતા પાર્ટીના બે ઉચ્ચ કક્ષાના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.ભાજપના રાષ્ટ્રીય નેતા સતીષ પુનિયા અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રભારી તરુણ ચૂગના આગમનને પગલે પ્રદેશ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આગામી 30 ઓગસ્ટે ભાજપના રાષ્ટ્રીય નેતા સતીશ પુનિયા ગુજરાતની મુલાકાતે આવશે.પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના ખાસ સ્ક્રીનિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 

કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

આ કાર્યક્રમમાં ગુજરાતમાં વસતા રાજસ્થાની સમાજના અંદાજે 1 હજાર જેટલા અગ્રણીઓ અને લોકો વિશેષરૂપે જોડાશે.સતીષ પુનિયા આ કાર્યક્રમ મારફતે રાજસ્થાની સમુદાય સાથે સીધો સંવાદ સાધીને સંગઠનાત્મક બાબતો અંગે ચર્ચા-વિચારણા કરશે.બીજી તરફ, 2 સપ્ટેમ્બરે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ ગુજરાતના પ્રવાસે આવી પહોંચશે.ગુજરાત ભાજપના પ્રભારી તરીકેની જવાબદારી સોંપાયા બાદ તરુણ ચૂગનો આ પ્રથમ સત્તાવાર ગુજરાત પ્રવાસ છે.તેમના આ પ્રવાસને લઈને ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રાજ્યમાં સંગઠનની કામગીરીને નવી ઊર્જા પૂરી પાડશે

પોતાના પ્રવાસ દરમિયાન તરુણ ચૂગ કમલમ ખાતે બે અત્યંત મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા કરશે. ભાજપના પ્રદેશ કક્ષાના સંગઠનાત્મક હોદ્દેદારો અને ક્ષેત્રીય નેતાઓ સાથે બેઠક યોજીને ચૂંટણીલક્ષી રણનીતિ તથા આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવશે. પ્રદેશ ભાજપના અગ્રણી નેતાઓ તેમજ સત્તાધારી સરકારના મંત્રીઓ અને નેતાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય સંકલન બેઠક યોજાશે જેમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને સંગઠન વચ્ચેના તાલમેલ અંગે ચર્ચા થશે. ગુજરાત પ્રભારી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તરુણ ચૂગની આ પ્રથમ મુલાકાત હોવાથી તેઓ પ્રદેશના તમામ નાના-મોટા નેતાઓ અને કાર્યકરો સાથે પરિચય કેળવશે અને રાજ્યમાં સંગઠનની કામગીરીને નવી ઊર્જા પૂરી પાડશે.

આ પણ વાંચોઃ Mehsana News: અમેરિકાના ટેનેસીમાં મહેસાણાના વેપારી સુરેશ પટેલનો હત્યારો પકડાયો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *