જામનગરના જાણીતા શાસ્ત્રીય સંગીતકાર અને સંગીત શિક્ષિકા ડો. સ્વાતિ અજેય મહેતાને ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે છેલ્લા ૪૫ વર્ષથી આપેલા નોંધપાત્ર યોગદાન બદલ પ્રતિષ્ઠિત ‘પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર સંગીતરત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ, મુંબઈ દ્વારા એનાયત કરવામાં આવ્યું છે.અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ, મુંબઈ દર વર્ષે ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર-પ્રસાર તથા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓને આ પ્રતિષ્ઠિત સન્માન આપે છે. આ વર્ષે દેશભરમાંથી પસંદ કરાયેલા પ્રતિષ્ઠિત સંગીતજ્ઞોમાં જામનગરના ડો. સ્વાતિ અજેય મહેતાની પસંદગી કરવામાં આવી હતી. આ પુરસ્કાર સમારોહ નવી મુંબઈના વાશી ખાતે આવેલા વિષ્ણુદાસ ભાવે નાટ્યગૃહમાં યોજાયો હતો. આ ભવ્ય સમારોહમાં ડો. સ્વાતિ મહેતાને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સંગીત અને નૃત્ય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.ડો. સ્વાતિ અજેય મહેતાએ ભારતીય શાસ્ત્રીય સંગીતના શિક્ષણ અને પ્રચાર-પ્રસાર માટે ચાર દાયકાથી વધુ સમયથી સતત કાર્ય કર્યું છે. સંગીત ક્ષેત્રે તેમની નિષ્ઠા, સાધના અને યોગદાનને ધ્યાને લઈ તેમને આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન પ્રાપ્ત થયું છે. જામનગરની એક પ્રતિભાશાળી સંગીતકારને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ સન્માન સમગ્ર જામનગર શહેર અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. ડો. સ્વાતિ મહેતાને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મળતા સંગીતપ્રેમીઓ, કલાકારો, સંગીતના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ડો.સ્વાતિ અજય મહેતાને 'પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર સંગીતરત્ન' પુરસ્કાર:શાસ્ત્રીય સંગીતમાં 45 વર્ષના યોગદાન બદલ સન્માનિત, જામનગર માટે ગૌરવપૂર્ણ ક્ષણ
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
