કામના સ્થળે પતિના ત્રાસથી મહિલા પરેશાન:181 અભયમ ટીમે પતિનું કાઉન્સેલિંગ કરતા પત્નીને હેરાન નહીં કરવાની ખાતરી આપી

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

વલસાડના નાનાપોઠા નજીકના એક ગામમાં મહિલાએ તેના પતિના ત્રાસથી પરેશાન થઈ 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. પતિ કેફી પદાર્થનું સેવન કર્યા બાદ મહિલાના કામના સ્થળે જઈને બોલાચાલી કરતા હતા, જેના કારણે મહિલાના વ્યવસાય અને આવક પર અસર થતી હતી. 181 અભયમ ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ પૂરું પાડ્યું હતું. મહિલાની રજૂઆત મુજબ, તેમના લગ્ન વર્ષ 2014માં થયા હતા અને તેમને બે પુત્રો છે. પતિ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ તેમને લાંબા સમયથી કેફી પદાર્થના સેવનની કુટેવ હતી. નશો કર્યા બાદ તેઓ નાની-મોટી બાબતોમાં પત્ની સાથે બોલાચાલી અને ઝઘડો કરી અપશબ્દો બોલતા હતા. પરિવારના ખર્ચ અને બાળકોના અભ્યાસ માટે પતિ તરફથી પૂરતો સહયોગ ન મળતા, મહિલા પોતે બ્યુટી પાર્લર ચલાવી પરિવારની જવાબદારી નિભાવતી હતી. પતિની વારંવારની હેરાનગતિને કારણે મહિલા છેલ્લા આશરે નવ મહિનાથી અલગ રહેતી હતી અને તેણે પોતાનું બ્યુટી પાર્લર પણ અન્ય સ્થળે ખસેડ્યું હતું. આમ છતાં, પતિ ત્યાં પણ પહોંચી બોલાચાલી કરતા હોવાથી મહિલાના વ્યવસાય પર નકારાત્મક અસર થતી હતી. ફરિયાદ મળતા 181 અભયમ વલસાડની ટીમે મહિલાની મુલાકાત લઈ સમગ્ર હકીકત જાણી હતી અને ત્યારબાદ પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે પતિને કેફી પદાર્થના સેવનથી વ્યક્તિ, પરિવાર અને દાંપત્યજીવન પર થતી નકારાત્મક અસરો અંગે સમજ આપી હતી. જરૂર જણાય તો નશામુક્તિ કેન્દ્ર અથવા નિષ્ણાતની મદદ લેવા પણ માર્ગદર્શન અપાયું હતું. ટીમે પતિને પત્નીના કામના સ્થળે જઈને બોલાચાલી કે હેરાનગતિ ન કરવા તેમજ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી શાંતિપૂર્ણ વર્તન કરવા સમજાવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ પતિએ હવે પછી પત્નીને હેરાન નહીં કરે અને કામના સ્થળે જઈ ઝઘડો નહીં કરે તેવી ખાતરી આપી હતી. મહિલાએ હાલ કોઈ આગળની કાર્યવાહી કરવાની ઇચ્છા વ્યક્ત કરી ન હતી. 181 અભયમ ટીમે મહિલાને તેના હકો, કાનૂની સહાય અને ભવિષ્યમાં ફરી હેરાનગતિ થાય તો 181 હેલ્પલાઇનનો સંપર્ક કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સમયસર મદદ અને કાઉન્સેલિંગ મળતાં મહિલાએ રાહત અનુભવી ટીમનો આભાર માન્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *