નેપાળમાં બુધવારે આવેલા ભીષણ ફ્લેશ ફ્લડ બાદ ભારતે પડોશી દેશની મદદ માટે રાહત સામગ્રી મોકલવાની તૈયારી શરૂ કરી છે. ભારત સરકાર કાઠમંડુના સતત સંપર્કમાં છે અને નેપાળ ઉપરાંત સરહદને અડીને આવેલા વિસ્તારોની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
આ બે નંબર પર મદદ માટે સંપર્ક કરી શકાશે
નેપાળમાં પૂરથી પ્રભાવિત ભારતીય નાગરિકોની મદદ માટે ભારતીય દૂતાવાસે બે ઈમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. કોઈપણ પ્રકારની મદદ અથવા માહિતી માટે ભારતીય નાગરિકો +977 985 131 6807 અને +977 970 910 7500 પર સંપર્ક કરી શકે છે. દૂતાવાસે જણાવ્યું છે કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરિયાતમંદ ભારતીય નાગરિકોને શક્ય તમામ મદદ પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ભારતે માનવતાવાદી સહાય માટે રાહત સામગ્રીનું પેકેજ તૈયાર કર્યું
ભોટેકોશી વિસ્તારમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે, જ્યારે 33 સુરક્ષાકર્મીઓ લાપતા હોવાના અહેવાલ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારતે માનવતાવાદી સહાય માટે રાહત સામગ્રીનું પેકેજ તૈયાર રાખ્યું છે. નેપાળ સરકાર તરફથી ઔપચારિક રીતે મદદની માગ કરવામાં આવે અથવા જમીની પરિસ્થિતિને જોતા તેની જરૂરિયાત જણાય તો ભારત તરફથી રાહત સામગ્રી ઝડપથી મોકલવામાં આવશે. બંને દેશોના સંબંધિત અધિકારીઓ સતત સંપર્કમાં છે.
વડાપ્રધાન મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ફોન પર વાત કરી હતી. મોદીએ પૂરથી થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે મુશ્કેલીના આ સમયમાં ભારતના લોકો નેપાળના ભાઈ-બહેનો સાથે મજબૂતીથી ઊભા છે. PM મોદીએ નેપાળને શક્ય તમામ માનવતાવાદી સહાય આપવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે ભારત અને નેપાળની ટીમો બચાવ તથા રાહત કામગીરી માટે નજીકથી સંકલન કરી રહી છે. ભારત દ્વારા પૂરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવા માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે.
