વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના રોડ શો અને રોકાણકારો સાથેની બેઠકો અર્થે હાથ ધરાયેલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા અને કેનેડાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.મુખ્યમંત્રી દુબઈ થઈને આગામી ૨૭ ઓગસ્ટના રોજ વહેલી સવારે ૪ વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.પરત ફર્યા બાદ જ તેઓ તુરંત વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કાર્યક્રમમાં ઉપસ્થિતિ તેમજ ગાંધીનગર સચિવાલય ખાતે યોજાનારા ‘સ્વાગત ઓનલાઈન’ કાર્યક્રમનો સમાવેશ થાય છે.
કેનેડામાં નિર્મલા સિતારમણ સાથે મુલાકાત
કેનેડાના ટોરોન્ટો ખાતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ખાસ મુલાકાત યોજાઈ છે.વિદેશ પ્રવાસ દરમિયાન યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ગુજરાતના વિકાસ, આર્થિક પ્રગતિ તેમજ વિવિધ મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ટોરોન્ટોની આ બેઠક દરમિયાન ગુજરાતમાં વિદેશી રોકાણો વધારવા અને રાજ્યના આર્થિક માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ફળદાયી ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.કેન્દ્રીય નાણાં મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે વિદેશની ધરતી પર યોજાયેલી આ ખાસ મુલાકાતને લઈને રાજકીય અને ઔદ્યોગિક વર્તુળોમાં મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવતીકાલે મુખ્યમંત્રી લોકોની રજૂઆતો સાંભળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવાર,તા.27મી ઓગસ્ટે યોજવામાં આવશે.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. નાગરિકો ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર ના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.
