શેરબજાર અને રિયલ એસ્ટેટમાં બમ્પર નફાની લાલચ આપી ખંડણી ઉઘરાવતો:મંદિર-ગુરુદ્વારામાં ધાર્મિકતાનો ઢોંગ કરી લાખોની ઠગાઈ આચરતો રીઢો ઠગ પંજાબથી ઝડપાયો, 28.13 લાખ પડાવ્યા

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

મંદિરો અને ગુરુદ્વારાઓમાં જઈ ધાર્મિકતાનો ઢોંગ રચી, ભોળા લોકોને રોકાણના નામે લાખો રૂપિયાનો ચૂનો ચોપડનાર 24 વર્ષીય રીઢા ઠગ રીપૂ સુદાન ઉર્ફે રીપ્સા ઉર્ફે રાહુલ ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ ભૈરૂલાલજી ખીચીને સુરતની ડુમસ પોલીસે પંજાબના અમૃતસર ખાતે આવેલી હોટલમાંથી દબોચી લીધો છે. પાલ RTO પાસે રહેતા મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢના આ ભેજાબાજ આરોપીએ સુરતના એક જાગૃત નાગરિક સાથે કોઈ પણ નુકસાન વગર મોટું વળતર આપવાની લાલચ આપી 28,13,500ની ઓનલાઇન ઠગાઈ આચરી હતી. રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી ખંડણી માંગવા બદલ ડુમસ પોલીસ સ્ટેશનમાં તેની સામે BNS કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ભોળા ભાવિકોને ફસાવવાની મોડસ ઓપરેન્ડી
આરોપી રીપૂ સુદાન લોકોને જાળમાં ફસાવવા માટે નિયમિત મંદિરો અને ગુરુદ્વારાઓમાં જઈ ભક્તિભાવનો ઢોંગ કરતો હતો. ભક્તોનો વિશ્વાસ જીતવા મોંઘી લક્ઝુરિયસ કાર લઈને ફરતો અને પોતે અત્યંત ધનિક ખાનદાનનો હોવાનો પ્રભાવ પાડતો હતો. ત્યારબાદ તે લોકોને પોતાના અને પિતાના મોટા શેરબજાર તેમજ રિયલ એસ્ટેટના બિઝનેસ હોવાની વાતો કહી રોકાણ કરવા સમજાવતો હતો. શરૂઆતમાં મોટો નફો આપવાની લોભામણી વાતો કરી ગૂગલ પે જેવા ઓનલાઇન માધ્યમોથી લાખો રૂપિયા મેળવી લેતો હતો. પૈસા ફસાયાનું નાટક અને છેલ્લે જાનથી મારવાની ધમકી
રોકાણકારો જ્યારે પોતાના નાણાં કે નફો પરત માંગતા ત્યારે આરોપી “માર્કેટ ડાઉન છે, વધારે રોકાણ કરશો તો જૂના રૂપિયા પ્રોફિટ સાથે પાછા આવશે” તેમ કહી વધુ રકમ પડાવી લેતો હતો. જો કોઈ રોકાણકાર નાણાં પરત મેળવવા દબાણ કરે અથવા પોલીસ ફરિયાદ કરવાની વાત કરે, તો આરોપી અગાઉના પૈસા ડુબાડી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ખંડણી ઉઘરાવતો હતો. ગુજરાત સહિત 6 રાજ્યોમાં નેટવર્ક, ભોગ બનનારાઓને સંપર્ક કરવા અપીલ
પોલીસની ટેકનિકલ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર (મુંબઈ) અને કર્ણાટક (બેંગલોર) જેવા રાજ્યોમાં સતત ફરતો રહેતો હતો. અન્ય રાજ્યોમાં પણ તેણે આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી હોવાની આશંકાએ પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. ડુમસ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે આ આરોપી દ્વારા અન્ય કોઈ વ્યક્તિ છેતરાયા હોય તો તાત્કાલિક ડુમસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *