સુરત શહેરના પૂણાગામ વિસ્તારમાં આવેલા કારખાનામાં નોકરી કરતી 3 સગીરા સહિત 4 સંબંધી બહેનો ભેદી સંજોગોમાં એકસાથે ગુમ થઈ જતાં પરિવારમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ સર્જાયો છે. કારખાનાના માલિક પાસેથી ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાનું ખોટું બહાનું આગળ ધરીને 1000 રૂપિયાનો ઉપાડ મેળવ્યા બાદ ચારેય યુવતીઓ ઘરે પરત ફરી ન હતી. જોકે, પોલીસ તપાસ દરમિયાન આ ચારેય બહેનો કાપોદ્રા ચોપાટી પાસે પોતાની મરજીથી ફરતી હોવાનું CCTV કેમેરામાં કેદ થતાં સમગ્ર રહસ્યમય મામલામાં મોટો વળાંક આવ્યો છે. પરિવારમાં ચિંતાનું મોજું અને શેઠનો ચોંકાવનારો ખુલાસો
મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ પૂણાગામ વિસ્તારમાં સ્થાયી થયેલા 42 વર્ષીય રિક્ષાચાલકની પત્ની તથા તેમની 17 અને 15 વર્ષની બે સગીર દીકરીઓ પૂણાગામ તળાવ પાસેના ઔદ્યોગિક એકમમાં ધાગા કટિંગનું કામ કરે છે. મંગળવારે સાંજે માતા પોતાની નોકરી પૂર્ણ કરીને નિયત સમયે ઘરે પહોંચી ગઈ હતી, પરંતુ બંને દીકરીઓ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોમાં ચિંતા વધી હતી. પરિવારે કારખાનાના માલિકનો સંપર્ક કરતાં ચોંકાવનારી વિગત સામે આવી હતી કે બંને દીકરીઓ ભાઈ બીમાર હોવાનું કહી 1000 રૂપિયા ઉપાડ પેટે મેળવીને ઘણા સમય પહેલાં જ ત્યાંથી રવાના થઈ ચૂકી છે. એકસાથે 4 બહેનો ગાયબ થતાં અપહરણનો ગુનો નોંધાયો
પરિવારજનોએ આસપાસ તપાસ શરૂ કરતાં માલૂમ પડ્યું હતું કે બાજુમાં જ રહેતી અને અન્ય કારખાનામાં કામ કરતી તેમની નજીકની સંબંધીની 23 અને 16 વર્ષની બે દીકરીઓ પણ નોકરી પરથી ઘરે પહોંચી ન હતી. એક જ પરિવાર અને સંબંધીઓની 4 દીકરીઓ એકસાથે ગાયબ થઈ જતાં ગભરાયેલા પરિવારે તાત્કાલિક પૂણા પોલીસ મથકે દોડી જઈ જાણ કરી હતી. ગુમ થનાર પૈકી 3 સગીરા હોવાના કારણે પોલીસે કાયદાકીય જોગવાઈ મુજબ તુરંત અપહરણનો ગુનો નોંધીને સોશિયલ મીડિયા તેમજ સ્થાનિક CCTV નેટવર્કની મદદથી શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા. કાપોદ્રા ચોપાટી પાસે CCTV માં કેદ થઈ
પૂણા પોલીસની ટીમે બાતમી અને સર્વેલન્સના આધારે તપાસ આગળ ધપાવતાં ચારેય બહેનો કાપોદ્રા ચોપાટી વિસ્તારના CCTV ફૂટેજમાં એકસાથે હરતી-ફરતી સ્પષ્ટપણે નજરે પડી હતી. ફૂટેજના પ્રાથમિક નિરીક્ષણ મુજબ તેઓ કોઈના દબાણ વગર પોતાની સ્વેચ્છાએ જ ત્યાં ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ખોટું બહાનું કાઢી પૈસા લઈને તેઓ શા માટે નીકળી ગઈ અને ક્યાં જવા માંગતી હતી તે તમામ દિશામાં પૂણા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
કારખાનામાંથી એકસાથે 4 બહેનો લાપતા, CCTV:ભાઈ બીમાર હોવાનું બહાનું કાઢી ₹1000નો ઉપાડ લઈ નીકળી ગઈ, કાપોદ્રા ચોપાટી પાસે ફરતી દેખાઈ
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
