Ahmedabad: વાંચ ગામથી ડાકોર હાઇવે તરફ્ જતા માર્ગના નવિનીકરણનો ખર્ચ પાણીમાં !

📅 Published: August 26, 2026 | 📂 Category: Ahmedabad

દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામથી અમદાવાદ-ડાકોર હાઇવે તરફ્ જતા માર્ગનું કરોડો રૂપિયાના ખર્ચે નવિનીકરણ કરાયા બાદ માત્ર બે મહિનામાં જ રસ્તો તૂટવા લાગતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ રસ્તાની બદહાલી અંગે અખબારમાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ માર્ગ અને મકાન વિભાગે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રસ્તો બનાવ્યો હતો. હવે ટૂંકા ગાળામાં રોડની હાલત બગડતા સ્થાનિકોએ તપાસની માંગ કરી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષોથી બિસમાર હાલતમાં રહેલા આ માર્ગ માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગ, અમદાવાદ દ્વારા ટેન્ડર પ્રક્રિયા બાદ અંદાજે એક કરોડથી વધુના ખર્ચે નવી કામગીરી કરવામાં આવી હતી. જોકે રોડ બન્યાને હજુ માત્ર બે મહિના જેટલો સમય થયો છે ત્યાં જ અનેક સ્થળે રોડનું ધોવાણ અને તિરાડો દેખાવા લાગી છે. જેના કારણે કરોડોનો ખર્ચ ખરેખર રોડના ટકાઉ કામ પાછળ થયો કે માત્ર કાગળ પર જ ગુણવત્તા જાળવાઈ, તેવો સવાલ ઉઠી રહ્યો છે. વધુમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર સ્પીડબ્રેકરના જરૂરી સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા નથી. રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો સ્પીડબ્રેકર પરથી પસાર થતાં અકસ્માતનો ભય રહે છે. થોડા દિવસ પહેલાં રાત્રે એક બાઇક ખેતરમાં ઉતરી જવાની ઘટના પણ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડની કામગીરીમાં ગંભીર ગેરરીતિ થઈ છે. હવે તંત્રએ માત્ર દેખાવ પૂરતી તપાસ નહીં, પરંતુ ટેન્ડર, એસ્ટિમેટ, વપરાયેલું મટિરિયલ, બિલ ચુકવણી અને ગુણવત્તા ચકાસણીના રેકોર્ડની તપાસ કરી જવાબદારી નક્કી કરવી જરૂરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *