19 સપ્ટેમ્બરથી જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય ટેબલ ટેનિસ ટીમ સંપૂર્ણ સજ્જ છે. આ ટુર્નામેન્ટમાં સુરતના 26 વર્ષીય સ્ટાર પેડલર માનવ ઠક્કર સતત ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પોતાની ભાગીદારીની હેટ્રિક નોંધાવવા જઈ રહ્યા છે. ટીમની તૈયારીઓ અને પોતાના ઉત્સાહ અંગે વાત કરતાં માનવ ઠક્કરે જણાવ્યું કે, “અમારું 2018માં હિસ્ટોરિક બ્રોન્ઝ મેડલ આવ્યું હતું, પરંતુ આ વખતે અમે ફુલ ફોર્મમાં છીએ અને અમારું લક્ષ્ય દેશ માટે ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતી લાવવાનું છે.” માત્ર 26 વર્ષની યુવા વયે વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરનાર માનવ ઠક્કર એશિયન ગેમ્સ બાદ આગામી ઓલિમ્પિક્સની તૈયારીઓમાં જોડાશે. ભારતીય મેન્સ ટીમમાં ગુજરાતનો દબદબો
આગામી એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલા દેશભરના 5 મુખ્ય પુરુષ ટેબલ ટેનિસ ખેલાડીઓમાં ગુજરાતનો દબદબો જોવા મળ્યો છે. આ 5 ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓ ગુજરાતના છે, જેમાં માનુષ શાહ તેમજ 2 ખેલાડીઓ સુરત શહેરના છે. સુરતમાંથી સિનિયર પેડલર હરમીત દેસાઈ અને યુવા સ્ટાર માનવ ઠક્કર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે વડોદરાના માનુષ શાહ પણ ટીમનો હિસ્સો છે. 492 થી વધુ સભ્યો ધરાવતી વિશાળ ભારતીય ટીમમાં સુરતના આ બંને ખેલાડીઓ સ્થાન પામતા શહેર અને સમગ્ર રાજ્યનું ગૌરવ વધ્યું છે. 5 વર્ષની ઉંમરે ઘરમાં ટેબલ જોઈ શરૂ થયેલી સફર
પોતાની રમત યાત્રાની શરૂઆત અંગે માનવે રસપ્રદ વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ માત્ર 5 વર્ષના હતા ત્યારે તેમના ઘરમાં ટેબલ ટેનિસનું બોર્ડ હતું અને તેમના માતા-પિતા બંને આ રમત રમતા હતા. માતા-પિતાને રમતા જોઈને તેમને આ રમતમાં રસ જાગ્યો હતો. ત્યારબાદ તેમણે સ્થાનિક ક્લબમાં તાલીમ શરૂ કરી અને ડિસ્ટ્રિક્ટ તેમજ સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ રમવાની શરૂઆત કરી. સ્ટેટમાં સફળતા મળ્યા બાદ નેશનલ સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને તેમણે આ રમતને પ્રોફેશનલ કરિયર બનાવી અને બાદમાં અંડર-18 તેમજ અંડર-21 કેટેગરીમાં વર્લ્ડ નંબર 1 નો તાજ હાંસલ કર્યો હતો. પીક ફોર્મ અને સ્પેશિયલ કન્ડિશનિંગ ટ્રેનિંગ
પોતાના વર્તમાન પ્રદર્શન અંગે વાત કરતાં માનવે સ્પષ્ટ કર્યું કે, તેઓ હાલ પોતાના કરિયરના પીક ફોર્મમાં છે.આ સીઝનમાં તેમણે વિશ્વના ટોપ-20 ના ત્રણ ખેલાડીઓને હરાવ્યા છે. જાપાનમાં યોજાનારી ઈવેન્ટ માટે 20 સપ્ટેમ્બર પહેલાં ભારતીય ટીમ 5-6 દિવસ અગાઉ ત્યાં પહોંચશે. ત્યાંના વાતાવરણ અને કન્ડિશન્સ સાથે અનુકૂલન સાધવા માટે શોર્ટ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું છે. સિંગલ્સ ઉપરાંત ડબલ્સ, મિક્સ્ડ ડબલ્સ, ફિટનેસ અને મેન્ટલ ટ્રેનિંગ પર ટીમ છેલ્લા ઘણા સમયથી વિશેષ કામ કરી રહી છે. માનવ અને માનુષની ડબલ્સ જોડી મેડલની પ્રબળ દાવેદાર
મેન્સ ડબલ્સમાં માનવ ઠક્કર અને માનુષ શાહની જોડી વિશ્વમાં નંબર 2 રેન્કિંગ સુધી પહોંચી ચૂકી છે અને હાલ ટોપ-3 માં સ્થાન ધરાવે છે. આ અંગે માનવે જણાવ્યું કે, રેન્કિંગ અમારા પર કોઈ વધારાનું દબાણ બનાવતું નથી, પરંતુ તે અમને જીતવા માટે વધુ આત્મવિશ્વાસ આપે છે. જુનિયર લેવલથી સાથે રમતા હોવાથી અને બંને ગુજરાતના હોવાથી તેમની વચ્ચે મેદાન બહાર પણ ખૂબ સારું બોન્ડિંગ છે. આ ઉપરાંત, માનવ રાઈટ હેન્ડર અને માનુષ લેફ્ટ હેન્ડર હોવાથી આ રાઈટ-લેફ્ટ કોમ્બિનેશન મેદાન પર વિરોધી ટીમો માટે ઘણું ઘાતક સાબિત થાય છે. ચીન, જાપાન અને કોરિયા સામે મુખ્ય પડકાર
એશિયન ગેમ્સમાં સ્પર્ધા અંગે માનવે જણાવ્યું કે એશિયામાં ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા વિશ્વની સૌથી મજબૂત ટીમો ધરાવે છે. વૈશ્વિક સ્તરે પણ આ ટીમોનો દબદબો રહે છે, પરંતુ તાજેતરની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં ભારતીય જોડીએ આ દેશોના ટોચના ખેલાડીઓને હરાવ્યા છે. પેરિસ ઓલિમ્પિક્સમાં પણ સુરતના બે જ ખેલાડીઓ માનવ અને હરમીતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એશિયન ગેમ્સમાં પોતાના જૂના બ્રોન્ઝ મેડલના રંગને ગોલ્ડમાં બદલવા માટે સુરતના આ બંને પેડલર્સ આ વખતે સંપૂર્ણ તાકાત લગાવવા તૈયાર છે.
જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં જોવા મળશે ગુજરાતનો દમ:ટેબલ ટેનિસની મેન્સ ટીમના 5માંથી 3 ખેલાડી ગુજરાતના, 26 વર્ષીય માનવ ઠક્કરે કહ્યું- 'આ વખતે ગોલ્ડ મેડલનું લક્ષ્ય'
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
