જમીન અમારા બાપની, જીવ આપી દઈશું પણ જમીન નહીં:આજનો દિવસ ભારે, ગાંધીનગરમાં હલચલ તેજ; શું છે સાગબારા- ઉમરપાડા જંગલ જમીન વિવાદ?

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ છેલ્લા 19 દિવસથી યથાવત્ છે. સાગબારા બોર્ડર નજીક આવેલા હલગામ, પાડી, દોધનવાડી, ખોપી, નાલ સહિત અંદાજે 12 ગામોના ખેડૂતો ઉમરપાડામાં જંગલ જમીન પર ખેતીની મંજૂરીની માંગ સાથે ઉપવાસ અને ધરણાં કરી રહ્યા છે. સામે વનવિભાગના અધિકારીઓ અને ઉમરપાડાના ખેડૂતો સાગબારાના ખેડૂતોને ખેતી કરતાં અટકાવી રહ્યા છે. સાગબારાના ખેડૂતો આ મામલે 8 ઓગસ્ટથી ઉપવાસ પર બેઠા છે. આ ખેડૂતો સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેખમુખે પ્રતિક ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ સાગબારાના ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે. સાંસદ અને ધારાસભ્યની સરકારમાં રજૂઆતો બાદ આઆ મામલો ગાંધીનગર પહોંચ્યો છે. સાગબારામાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ હલ્લાબોલ સાથે જમીન ખેડવાનું એલાન કર્યું છે, એવામાં આજનો દિવસ ભારે રહેવાનો છે. દિવ્ય ભાસ્કરે આંદોલનના સ્થળ પર ખેડૂતો સાથે વાતચીત કરી હતી. શું છે સમગ્ર મામલો ?
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સ્થાનિક આદિવાસીઓ વચ્ચે જંગલની જમીન પર ખેડાણ અને કબજાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાગબારા તાલુકાના 12 જેટલા ગામોના ઉકાઈ ડેમ અસરગ્રસ્ત ખેડૂતોને ઉમરપાડામાં ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. છેલ્લાં 20 વર્ષથી સાગબારાના ખેડૂતો ઉમરપાડામાં પોતાને મળેલી આઆ જમીન પર ખેતી કરી રહ્યાં હતા. પણ છેલ્લાં 2 વર્ષથી સાગબારા-ઉમરપાડાના ખેડૂતો વચ્ચે જંગલ જમીન પર ખેડાણ મામલે ઘર્ષણ ચાલી રહ્યું છે. સાથે વન વિભાગના અધિકારીઓ પણ ગ્રામસભાના ઠરાવની માંગ કરીને સાગબારાના ખેડૂતોને ખેતી કરતાં અટકાવી રહ્યા છે. આ કારણે સાગબારાના 300 જેટલા ખેડૂતો છેલ્લા 18 દિવસથી ઉમરપાડા તાલુકા વડપાડા રેન્જના હરિપુરા રાઉન્ડ ફોરેસ્ટ વિસ્તારમાં ઉપવાસ પર બેઠા છે. ઉમરપાડાના ખેડૂતોનો વિરોધ
બીજી તરફ ઉમરપાડા તાલુકાના ખેડૂતોનો પક્ષ અલગ છે. તેમનું કહેવું છે કે સાગબારા તાલુકાના લોકો તેમના વિસ્તારમાં આવીને જમીન પર ખેડાણ કરે છે. ઉમરપાડાના વડપાડા ગામમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ નિર્મમ હત્યાની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક ઉમરપાડાના ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. તેમનું કહેવું છે કે આ ઘટના બાદ તેઓ સાગબારાના ખેડૂતોને આ વિસ્તારમાં જમીન ખેડવા નહીં દે. વન વિભાગ કાયદા મુજબ કામ કરી રહ્યું છે : ACF ગૌરાંગ લોઢી
10 ઓગસ્ટે ઉમરાપાડા-સાગબારાની બોર્ડર પર સુરત વન વિભાગના ACF ગૌરાંગ લોઢીએ જણાવ્યું હતું કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ 13-12-2005 પહેલા જે લોકોનું ખેડાણ છે અને વર્ષોથી ખેતી કરી રહ્યા છે, એમને રેવન્યુ વિભાગ અને વનવિભાગથી દાવા મળશે. વનવિભાગના ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ગામની જમીન હોય તે ગામની ગ્રામસભાનો ઠરાવ ખેતી કરવા માટે જરૂરી છે. આ કેસમાં આ જમીન ઉમરપાડામાં આવે છે અને સાગબારાના ખેડૂતો દાવા કરે છે. સાગબારાને ખેડૂતોએ જે ગ્રામસભાના ઠરાવો રજૂ કર્યા છે એ પણ ખોટા છે. જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ : લીલાબેન વસાવા
સાગબારાના ખેડૂતો છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર બેઠા છે. ખેડૂત આગેવાન તેમજ ભાજપના પૂર્વ નેતા લીલાબેન વસાવાએ કહ્યું કે અમને લાગતું હતું કે સરકાર કોઈ સકારાત્મક નિર્ણય લેશે. સાગબારાના ખેડૂતો રોજ આવીને પૂછે છે કે કોઈ નિર્ણય આવ્યો કે નહીં. હું વનવિભાગના અધિકારીઓને કહેવા માંગુ છું કે આઆ જમીન અમારી છે, અમે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ. સગબારાના ખેડૂતો હળ વગેરે ખેતીના ઓજારો લઈને આવશે અને અહીં ખેડાણ શરૂ કરશે.
રાજ્યના બે મંત્રીઓ સાગબારામાં ખેડૂતોની મુલાકાત લેશે : મનસુખ વસાવા
આઆ સમગ્ર મામલે ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આજે ગાંધીનગરમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, વનમંત્રી અર્જુન મોઢવાડીયા, આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા,ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવા તેમજ વનવિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે આ જંગલ જમીન વિવાદ મામલે બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રક્ષાબંધન પર્વ બાદ રાજ્યવનમંત્રી પ્રવિણ માળી તથા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અધકારીઓ સાથે સાગબારા જઈને આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે ચર્ચા કરવા જશે. પુરાવાના આધારે ખેડૂતોને જમીન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. અત્યાર સુધી પેન્ડિંગ રહેલા 80 હજાર જેટલા દાવાઓ બાબતે પણ ચર્ચા થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *