કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવા ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ માટે તૈયાર થતાં અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ઘટવાને બદલે સતત વધી રહી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરતા સામાન્ય માણસો સામે કાર્યવાહી થાય છે, પરંતુ ભારે વાહનો કે ખાનગી લક્ઝરી બસો સામે ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે. દિવ્ય ભાસ્કર દ્વારા એસજી હાઈવે, RTO સર્કલ, નારોલ-નરોડા હાઈવે સહિતના 7 વિસ્તારોમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. અહીં રાત્રિના 10 વાગ્યા પહેલા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ છે છતાં બસો દોડતી જોવા મળી હતી. જેના કારણે ભારે ટ્રાફિક સમસ્યા જોવા મળી હતી. જોકે, આ વિસ્તારોના ટ્રાફિક પોલીસ સ્ટેશનનો પીઆઇ ચેકિંગ કરવાને બદેલ પોલીસ સ્ટેશનમાં બેસી રહેતા હોવાનું જાણવા મળ્યું અને ખાનગી બસોના પ્રવેશ સામે કોઈ કાર્યવાહી ન થતી હોવાનું ધ્યાને આવ્યું છે. વાડજ, શાહીબાગ અને ચાંદખેડા સહિતના વિસ્તારમાં બસોની અવર-જવર
દિવ્ય ભાસ્કર દ્વારા સાંજના 7:30 વાગ્યા બાદ એસજી હાઈવે, નારોલ-નરોડા હાઈવે સીટીએમ, નરોડા પાટિયા સર્કલ, વાડજ સર્કલ, સુભાષબ્રિજ RTO સર્કલ, શાહીબાગ નમસ્તે સર્કલ અને ચાંદખેડા ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જ્યાં ખાનગી બસોની અવરજવર જોવા મળી હતી. આ ઉપરાંત નરોડા પાટિયા સર્કલ પાસે TRB જવાન અને પોલીસ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. નિયમોનો ભંગ કરનાર પાસેથી દંડ વસૂલાય છે: નરેશ કણઝરીયા
શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર અશ્વિન ચૌહાણ અને પશ્ચિમના ટ્રાફિક ડીસીપી ભાવના પટેલનો દિવ્ય ભાસ્કરે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેમણે ફોન ઉપાડ્યો નહોતો, જ્યારે પૂર્વના ટ્રાફિક ડીસીપી નરેશ કણઝરીયાએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધિત સમય પહેલાં જે બસો પ્રવેશ કરી રહી છે તેમની સામે અમે કાર્યવાહી કરીશું. જે પણ બસો નિયમોનો ભંગ કરે છે તેમની પાસેથી દંડ લેવાની કાર્યવાહી કરીએ છીએ, પરંતુ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. શાહીબાગ નમસ્તે સર્કલ પાસે બસોનો ખડકલો
રાજસ્થાન અને ઉત્તર ભારત જતી લક્ઝરીઓ શાહીબાગ નમસ્તે સર્કલ પાસે ઉભી રહે છે, સાંજના 7 વાગ્યા બાદ તપાસ કરતા અહીં બસો જોવા મળી હતી. રાજસ્થાનના ધારાસભ્ય અને મંત્રીઓના ફોટા વાળી બસો ઉભી હતી. રોડની બંને તરફ 30 જેટલી ટ્રાવેલ્સની ઓફિસો છે. દરરોજ સાંજે 7 વાગ્યા બાદ લક્ઝરીઓ આવે અને રાત્રિના 9:30 વાગ્યા સુધીમાં ખડકલો થઈ જાય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી. RTO સર્કલ પાસે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જ નહીં
સુભાષબ્રિજ RTO સર્કલ પાસે તપાસ કરતા બસો જોવા મળી હતી. અહીં બેથી ત્રણ ટ્રાવેલ્સની નાની ઓફિસો છે અને અહીંથી જ સાંજના બસો ઉપડતી હોવાનું ધ્યાને આવ્યું છે. કેટલીક બસો ચાંદખેડા ચાર રસ્તા પાસેથી પણ પસાર થાય છે. જે સાંજના સમયે નીકળતી હોય છે, પરંતુ અહીં ટ્રાફિક પોલીસ અધિકારી કે કર્મચારી હોતા નથી અને કોઈ ધ્યાન આપતા નથી. ટ્રાફિક પોલીસની હાજરીમાં ખાનગી બસોની અવર-જવર
નરોડા-નારોલ હાઈવે પર નરોડા પાટિયા પાસે તપાસ કરતા હિંમતનગર થઈ રાજસ્થાનના ઉદયપુર જતી બસો જોવા મળી હતી. અહીં પાંચથી સાત ટ્રાવેલ્સની ઓફિસો છે. સાંજે 7:30 વાગ્યા બાદ નારોલ અને મેમ્કોથી બસો આવતી જોવા મળી હતી. અહીં બ્રિજ બનતો હોવાથી ટ્રાફિકની સમસ્યા વધારે છે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં પ્રતિબંધિત સમયમાં બસો આવતી જોવા મળી હતી. ઈસ્કોન અને જોધપુર ચાર રસ્તા પાસે સૌરાષ્ટ્રની બસોનો જમાવડો
એસજી હાઈવે પર ઈસ્કોન અને જોધપુર ચાર રસ્તા પાસે રાત્રિના 8 વાગ્યાથી બસોનો અવર-જવર જોવા મળે છે. જોધપુર ચાર રસ્તા પાસે 7 જેટલી ટ્રાવેલ્સ ઓફિસો છે. અહીં રાત્રિના 10 વાગ્યા પહેલા જ બસો આવી જાય છે અને પેસેન્જર લેવા ઉભી રહે છે. ઈસ્કોન ખાતે રાત્રિના 8થી 9 વાગ્યા વચ્ચે બસો જોવા મળી હતી. સૌરાષ્ટ્ર જતી બસો ઇસ્કોનથી કર્ણાવતી ક્લબ અને સરખેજ થઈ જતી જોવા મળી હતી. એસટી સ્ટેન્ડ ખાતે ટ્રાફિક પોલીસની નિષ્ક્રિય કામગીરી
ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે દિવસ અને સાંજના સમયે બસોની અવર-જવર તેમજ પાર્ક થયેલી જોવા મળે છે. જેના કારણે અહીં ટ્રાફિક સૌથી વધારે થાય છે. અહીં ઘણા સમયથી રિક્ષાચાલકોનો ત્રાસ છે અને હવે રાત્રિના 10 વાગ્યા પહેલા બસો આવતી હોવાને કારણે ટ્રાફિક પોલીસની નિષ્ક્રિય કામગીરી જોવા મળી રહી છે. મેમ્કો ચાર રસ્તા ખાતે સાંજના 7 વાગ્યા બાદ બસો આવતી હોય છે અને સૌથી વધુ વ્યસ્ત રોડ હોવા છતાં બસોના પાર્કિગને કારણે ટ્રાફિક સર્જાય છે. ટ્રાફિક પોલીસ ચોકીમાં અધિકારીઓ બેસી રહે છે
સીટીએમ એક્સપ્રેસ-વે પાસે દિવસ દરમિયાન પણ બસો આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. વડોદરા અને સુરત તેમજ વાપી તરફ જતી બસો દર બે કલાકે પસાર થાય છે. રાત્રિના 10 થી સવારે 8 વાગ્યા સુધી પ્રતિબંધ હોવા છતાં અહીં બસો જોવા મળી હતી. ટ્રાફિક પોલીસ ચોકી અધિકારીઓ અને કર્મચારીઓ બેસી રહે છે. એસટી બસ સ્ટેન્ડ હોવા છતાં અહીં ખાનગી બસો ન ઉભી રાખવાના નિયમનો ભંગ થતો જોવા મળ્યો હતો. પાલડીમાં બપોરના સમયે ખાનગી બસો આવે છે: અમિત શાહ
શહેરમાં સવારના 8થી રાત્રિના 10 વાગ્યા સુધી પ્રતિબંધ છતાં બેરોકટોક અવર-જવર કરતી ખાનગી બસોને લઈ ભાજપ ધારાસભ્ય અને નેતાઓએ પોલીસ કમિશનર સુધી ફરિયાદ કરી છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સંકલન સમિતિમાં રજૂઆત કરી હતી કે, પાલડીમાં બપોરના સમયે ખાનગી બસો આવે છે અને સોસાયટીઓ પાસે ઉભી રહે છે. જેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડે છે. માત્ર પાલડી નહીં અલગ અલગ વિસ્તારોમાં બસોની એન્ટ્રી ગંભીર બાબત છે તે તાત્કાલિક દૂર કરવી જોઇએ. માધુપુરાના સ્થાનિક કોર્પોરેટરે પણ આ અંગે ટ્રાફિક પોલીસને રજૂઆત કરી હતી છતાં કોઈ ધ્યાન અપાયું નથી. સીટીએમ ચાર રસ્તાથી લઈ એક્સપ્રેસ-વેના નાકા સુધી બસોને કારણે ટ્રાફિક સર્જાતો હોવાની પણ ભાજપ ધારાસભ્યએ રજૂઆત કરી છે. જોકે, આ તમામ રજૂઆતો બાદ પણ શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઇ આ બાબતને ગંભીરતાથી લેતા નથી. ટ્રાફિક પોલીસને નિયમોનું પાલન કરાવવામાં કોઈ રસ નથી
શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે નિયમોનું પાલન જરૂરી છે, પરંતુ ટ્રાફિક પોલીસને નિયમોનું પાલન કરાવવામાં કોઈ રસ નથી. તેઓ માત્ર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બેસી જ રહે છે. ખરેખર દિવસ અને સાંજના સમયે તેમના વિસ્તારોમાં જ્યાં સૌથી વધુ ટ્રાફિક થાય છે ત્યાં હાજર રહેવું જોઇએ છતાં કોઈ પીઆઇ રાઉન્ડમાં નીકળતા નથી. ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે કામગીરી કરવાની જગ્યાએ પીઆઇના ખાસ માણસો કામે લાગી જાય છે અને આવા નિયમો ભંગ કરતા લોકો સામે કાર્યવાહી કરાતી નથી. કયા કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસોનો પ્રવેશ
એસજી હાઈવે અને શાહીબાગ સહિત 7 જગ્યાએ ખાનગી બસોના ખડકલા:રાત્રિના 10 વાગ્યા પહેલા પ્રતિબંધ છતાં બેરોકટોક અવર-જવર, સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
