Gujarat Weather News: રાજ્યના 40 તાલુકાઓમાં 60થી 97 ટકા સુધી વરસાદની ઘટ, કચ્છમાં ચિંતાજનક સ્થિતિ

📅 Published: August 27, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની અનિયમિત પેટર્નને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે.રાજ્યમાં સરેરાશ 75.23 ટકા વરસાદ નોંધાયો છે. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો છે.ગત વર્ષે આ સમય સુધીમાં 85.04 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.આ વર્ષે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ 100 ટકાને પાર પહોંચ્યો છે, જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. 13 જિલ્લાના 40 તાલુકાઓમાં 60થી 97 ટકા સુધીની વરસાદની ઘટ હાલમાં વર્તાઈ રહી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનાવૃષ્ટિ જેવી ભયજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. 

આ વર્ષે રાજ્યમાં સરેરાશ માત્ર 75.23 ટકા વરસાદ વરસ્યો

હવામાન વિભાગ અને સરકારી આંકડાઓ મુજબ,આ વર્ષે રાજ્યમાં સરેરાશ માત્ર 75.23 ટકા એટલે કે 27.35 ઈંચ વરસાદ જ વરસ્યો છે.જે ગત વર્ષના 30 ઈંચ એટલે કે 85.04 ટકાની સરખામણીએ ઘણો ઓછો છે. સૌથી વધુ વિકટ સ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્જાઈ છે, જ્યાં સરેરાશ માત્ર 6.41 ટકા જ વરસાદ થયો છે. જિલ્લાના મુખ્ય મથક દ્વારકા તાલુકામાં માંડ 2.28 ટકા, કલ્યાણપુરમાં 3.41 ટકા, ભાણવડમાં 9.75 ટકા અને ખંભાળિયામાં 9.54 ટકા વરસાદ નોંધાતાં ત્યાં દુષ્કાળના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં માત્ર 29.29 ટકા વરસાદ થવાથી અબડાસા, અંજાર, માંડવી અને મુન્દ્રા જેવા તાલુકાઓમાં જળસંકટ ઘેરું બન્યું છે. 

ગત વર્ષની સરખામણીએ 8.83 ટકા જેટલો ઓછો થયો

ઉત્તર ગુજરાતના અમીરગઢ, મહેસાણાના ઊંઝા તેમજ સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક તાલુકાઓમાં પણ સમાન સ્થિતિ છે. સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગરના અનેક તાલુકાઓમાં વરસાદ ખેંચાતાં પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ગત વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 30 ઈંચ એટલે કે 85.04 ટકા વરસાદ વરસ્યો હતો, જેની સામે આ વખતે અત્યાર સુધીમાં 27.35 ઈંચ એટલે કે 75.23 ટકા વરસાદ વરસ્યો છે. આમ સરેરાશ વરસાદ ગત વર્ષની સરખામણીએ 8.83 ટકા જેટલો ઓછો થયો છે. 

સિંચાઈ માટે ગંભીર કટોકટી સર્જાઈ શકે છે

પરંતુ ગત વર્ષે સારી બાબત એ હતી કે, રાજ્યના તમામ ઝોનમાં સરેરાશ વરસાદ 80 ટકાથી વધુ થઈ ગયો હતો. જેની સામે આ વખતે 75 ટકા કુલ વરસાદ થયો છે. પરંતુ હજુ કચ્છમાં માત્ર 29.29 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.23 ટકા અને સૌરાષ્ટ્રમાં માત્ર 52 ટકા જ વરસાદ થયો છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ 103.36 ટકા થઈ ગયો છે. અગાઉ વર્ષ 2021માં પણ 41.79 ટકા જેવો ઓછો વરસાદ નોંધાયો હતો. પરંતુ મોડા થયેલા વરસાદે રાહત આપી હતી. જો આગામી દિવસોમાં મેઘરાજા કૃપા નહીં કરે, તો પીવાના પાણી અને સિંચાઈ માટે ગંભીર કટોકટી સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Exclusive : નેપાળમાં વિનાશક પૂરની દુર્ઘટના પહેલા જ ગુજરાતના પ્રવાસીઓએ છોડી હતી જગ્યા, જાણો કેવી હતી સ્થિતિ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *