ટિકિટ-રિઝર્વેશન હોવા 100 મુસાફરો ટ્રેનમાં ન બેસી શક્યા:ભીડને કારણે મુસાફરી રદ કરવી પડી

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

ગુરુવારે સવારે હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા-ઉદેપુર ઇન્ટરસિટી ટ્રેનમાં લગભગ 100 મુસાફરો ટિકિટ અને રિઝર્વેશન હોવા છતાં બેસી શક્યા ન હતા. ભારે ભીડને કારણે મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ મળ્યો ન હતો, જેના કારણે તેમને પોતાની મુસાફરી રદ કરવાની ફરજ પડી હતી. આ ઘટના ગુરુવારે સવારે 8.25 વાગ્યે બની હતી. અસારવાથી ઉદેપુર જતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન હિંમતનગર સ્ટેશન પર પહોંચી ત્યારે તે મુસાફરોથી સંપૂર્ણ ભરેલી હતી. રાજસ્થાનના ઉદેપુર, ડુંગરપુર અને વીંછીવાડા જેવા સ્થળોએ જવા માટે ટિકિટ અને રિઝર્વેશન ધરાવતા મુસાફરોને કોચમાં પ્રવેશ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેનનો સ્ટોપ માત્ર પાંચ મિનિટનો હતો. કોચના પ્રવેશદ્વાર પર ભારે ભીડ હોવાને કારણે આ ટૂંકા સમયગાળામાં લગભગ 100 મુસાફરો ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. સ્ટેશન પર થોડા સમય પહેલા કોચ ઇન્ડિકેટર લગાવવામાં આવ્યા છે, પરંતુ તે હજુ સુધી કાર્યરત ન હોવાથી મુસાફરોને કયો કોચ ક્યાં ઊભો રહેશે તેની જાણકારી મળી ન હતી. ટ્રેનમાં મુસાફરી ન કરી શકનાર તમામ મુસાફરોએ પોતાની ટિકિટ રદ કરાવવા માટે ટિકિટ બારી પર લાંબી કતારો લગાવી હતી. રિઝર્વેશન કરાવેલા મુસાફરો પણ અટવાઈ પડ્યા હતા, જેના કારણે રેલવે વિભાગ સામે તેમનો રોષ જોવા મળ્યો હતો. હિંમતનગરથી રાજસ્થાન જવા માટે રિઝર્વેશન કરાવનાર હિમાંશુ વસીટાએ જણાવ્યું હતું કે, “રેલવેની બેદરકારીને કારણે લગભગ 100 મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરી શક્યા નથી. હાલ તેઓ ટિકિટ રદ કરાવવા માટે લાઈનમાં ઊભા છે.”


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *