Dangના ગિરિમથક સાપુતારામાં હત્યાથી ચકચાર: મિત્રો વચ્ચેની બોલાચાલીમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતેથી એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. સાપુતારામાં આવેલી બેંક ઓફ બરોડા (BOB) ના એટીએમ (ATM) નજીક મોડી રાત્રે મિત્રો-મિત્રો વચ્ચે જ ખૂની હુમલો થયો હતો. મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકામાંથી 6 જેટલા મિત્રોનો સમૂહ સાપુતારા ખાતે ફરવા માટે આવ્યો હતો. મોડી રાત્રે તમામ મિત્રો નાસ્તો કરવા બેઠા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમની વચ્ચે તીખી બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો.

સારવાર દરમિયાન 27 વર્ષીય યુવકનું મોત 

આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં ઉશ્કેરાયેલા મિત્રોએ 27 વર્ષીય હેમંત વિલાસ સૂર્યવંશી નામના યુવક પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઘાતક હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હેમંતને તાત્કાલિક ધોરણે વધુ સારવાર અર્થે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હતો. જોકે, પ્રાથમિક માહિતી અનુસાર સારવાર દરમિયાન હેમંત સૂર્યવંશીનું કરૂણ મોત નીપજ્યું હતું.

સાપુતારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો 

પ્રવાસન સ્થળ પર બનેલી આ સનસનાટીભરી હત્યાની ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાપુતારા પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા અને હુમલો કરનાર અન્ય મિત્રો સામે કાનૂની કાર્યવાહી કરવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *