સાપુતારા ગિરિમથકમાં મોડી રાત્રે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ એક યુવકની હત્યા થઈ છે. સાપુતારાના BOB ATM નજીક 27 વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકનું મહારાષ્ટ્રમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાના કુલ છ મિત્રો સાપુતારા ફરવા આવ્યા હતા. મોડી રાત્રે આ તમામ મિત્રો BOB ATM નજીક નાસ્તો કરવા બેઠા હતા. તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં 27 વર્ષીય હેમંત વિલાસ સૂર્યવંશી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ચપ્પુના ઘા વાગતા હેમંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેના બે મિત્રો તેને મોટરસાયકલ પર સારવાર માટે મહારાષ્ટ્ર લઈ ગયા હતા, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ સારવાર દરમિયાન હેમંતનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. હત્યાનું ચોક્કસ કારણ અને હુમલામાં કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પ્રવાસન સ્થળ સાપુતારામાં બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ આ કેસની તમામ કડીઓ જોડવા માટે સઘન તપાસ કરી રહી છે.
સાપુતારામાં મિત્રોની બોલાચાલીમાં યુવકની હત્યા:નાશિકથી આવેલા મિત્રો વચ્ચે ઝઘડો, સારવાર દરમિયાન મોત
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
