નવસારી જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય કર્મચારીઓએ નવી ઓનલાઇન કામગીરીની નીતિ તેમજ વિવિધ પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત સરકારના કમિશનર હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગ દ્વારા TECHO+ એપ્લિકેશનમાં અમલમાં મૂકાયેલા નવા નિયમો અને અગાઉ કરાયેલી સામૂહિક બદલીઓના વિરોધમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ એકત્ર થયા હતા. કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. TECHO+ એપમાં લાઇવ ફોટો અને સેલ્ફીના નિયમ સામે વાંધો
સરકાર દ્વારા આરોગ્યલક્ષી સર્વે અને કામગીરી માટે ઉપયોગમાં લેવાતી TECHO+ એપમાં FHW અને MPHW કર્મચારીઓને લાભાર્થીઓ તથા દર્દીઓ સાથેના લાઇવ ફોટોગ્રાફ અને સેલ્ફી અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે કે ફિલ્ડ વર્ક દરમિયાન આ પ્રકારની કામગીરી વ્યવહારુ નથી અને તેનાથી તેમની કામગીરીમાં મુશ્કેલી ઊભી થાય છે. આ મુદ્દે રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં વહીવટી તંત્ર તેમજ ગાંધીનગર ખાતે મંત્રીઓ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. અંગત મોબાઇલમાં એપ વાપરવાથી ડેટા લીકની ચિંતા
આરોગ્ય કર્મચારીઓએ અંગત સ્માર્ટફોનમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરીને સરકારી કામગીરી કરવાની ફરજ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના મતે, આ રીતે કામ કરવાથી વ્યક્તિગત માહિતી અને ડેટા લીક થવાનો તેમજ પ્રાઇવસી જોખમાવાનો ભય રહે છે. કર્મચારીઓએ જણાવ્યું કે વર્ષ 2017માં સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઇલ ફોન હવે ઉપયોગમાં લેવાની સ્થિતિમાં નથી. તેથી ઓનલાઇન કામગીરી માટે નવા સ્માર્ટફોન તેમજ ઇન્ટરનેટ ભથ્થું આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 243 MPHW અને 34 ફાર્માસિસ્ટની બદલીનો મુદ્દો
આશરે ત્રણ મહિના પહેલાં વહીવટી કારણો દર્શાવીને કરવામાં આવેલી 243 MPHW અને 34 ફાર્માસિસ્ટની સામૂહિક બદલીનો મુદ્દો પણ કર્મચારીઓએ DDO સમક્ષ ઉઠાવ્યો હતો. કર્મચારી મંડળ અને DDO વચ્ચે બેઠક યોજાયા બાદ બદલીઓના ઓર્ડર રિવાઇઝ કરી કર્મચારીઓને પુનઃ મૂળ સ્થાને મૂકવા અંગે વહીવટી તંત્ર તરફથી હકારાત્મક ખાતરી આપવામાં આવી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. અમને જરૂરી સાધનો અને સુવિધા આપવામાં આવે : મંડળ પ્રમુખ
નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ નીલ દેસાઈએ જણાવ્યું હતું કે કર્મચારીઓ કામગીરી કરવા માટે તૈયાર છે, પરંતુ અંગત મોબાઇલમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન મારફતે ફોટા અપલોડ કરાવવા યોગ્ય નથી. સરકાર દ્વારા જરૂરી સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. સામૂહિક બદલીના મુદ્દે DDO દ્વારા ઓર્ડર રિવાઇઝ કરવાની બાંહેધરી આપવામાં આવી છે, જે બદલ તેમણે વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. નવો સ્માર્ટફોન આપવામાં આવે તો કામગીરી સરળ બનશે : કર્મચારી
આરોગ્ય કર્મચારી પ્રિયા પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2017માં સરકારે આપેલા મોબાઇલ હવે કામ કરતા નથી. અંગત ફોનમાં TECHO+ એપનો ઉપયોગ કરવાથી વ્યક્તિગત ડેટા લીક થવાનો સતત ભય રહે છે. સરકાર દ્વારા નવા સ્માર્ટફોન આપવામાં આવે અને તેમાં જરૂરી એપ્લિકેશનો સેટ કરીને આપવામાં આવે તો કર્મચારીઓ વધુ સરળતાથી અને સુરક્ષિત રીતે ઓનલાઇન કામગીરી કરી શકે તેમ છે.
નવસારી જિલ્લા પંચાયતમાં આરોગ્ય કર્મીઓનો મોરચો:TECHO+ એપના લાઇવ ફોટો-સેલ્ફી નિયમ સામે ઉગ્ર વિરોધ, કામગીરી માટે નવો સ્માર્ટફોન આપવાની માંગ
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
