Ahmedabad ક્રાઇમ બ્રાન્ચે નકલી BPની દવા બનાવતી આંતરરાજ્ય સિન્ડિકેટનો કર્યો પર્દાફાશ

📅 Published: August 27, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બ્લડ પ્રેશર (BP) ની નકલી દવાઓ બનાવી રાજ્યભરમાં સપ્લાય કરતી આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 3 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે. આરોપીઓ જાણીતી કંપનીના નામ, લેબલ અને બેચ નંબરનો ગેરકાયદે ઉપયોગ કરીને ‘NICARDIA RETARD 10’ નામની નકલી દવાઓ બજારમાં વેચી રહ્યા હતા. આ નકલી દવાથી દર્દીઓનું મૃત્યુ પણ થઈ શકે તેવું જાણવા છતાં માત્ર આર્થિક લાભ માટે આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવતું હતું.

ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી ગુજરાત સુધી તાર જોડાયેલા 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નકલી દવાનો આ જથ્થો ગુજરાતના અલગ-અલગ શહેરોમાં પહોંચાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અમદાવાદના પાલડી સ્થિત ‘પાર્શ્વ મેડિકલ એજન્સી’ મારફતે આ સ્ટોક આવ્યો હતો, જે મૂળ ઉત્તર પ્રદેશના લખનઉની ‘સેના મેડિકલ’માંથી સપ્લાય થયો હતો. આ સિવાય નડિયાદના એક મેડિકલ સ્ટોરમાંથી 30 સ્ટ્રીપ તથા નવકાર મેડિકલ એજન્સી અને ભુજની ‘મહાદેવ મેડિકલ એજન્સી’માંથી પણ નકલી દવાનો સ્ટોક કબ્જે કરાયો છે. કચ્છમાં મળેલો જથ્થો જયપુરની ‘એ.વી.આર. મેડિકોઝ’માંથી સપ્લાય થયો હોવાનું ખુલ્યું છે.

3 મુખ્ય આરોપીઓની ધરપકડ, ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો 

પોલીસે આ રેકેટમાં અમદાવાદના હોલસેલ વેપારી દર્શીલ સંઘવી તેમજ લખનઉના દેવેન્દ્ર યાદવ અને ઉમંગ રસ્તોગીની ધરપકડ કરી છે. દર્શીલ સંઘવી નકલી દવાઓ સબ-ડિસ્ટ્રીબ્યુટર્સને વેચતો હતો, જ્યારે દેવેન્દ્ર અને ઉમંગ દવા સપ્લાય કરીને કમિશન મેળવતા હતા. નોંધનીય છે કે દેવેન્દ્ર અને ઉમંગ અગાઉ પુણેના ડુપ્લિકેટ દવા કેસમાં પકડાઈ ચૂક્યા છે, જ્યારે ઉમંગ સામે જીએસટી ભંગનો ગુનો પણ નોંધાયેલો છે. હાલ પોલીસે ઉત્પાદન કરનારા અન્ય સૂત્રધારોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *