પાટણ શહેરના ચતુરભુજ બાગીચા નજીક આવેલા એસ.કે. પ્લાઝા કોમ્પલેક્ષમાં એક સલૂનની આડમાં ચાલતા જુગારધામ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં 7 જુગારીઓને કુલ રૂ. 59,350 રોકડ અને ગંજીપાના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. LCB ટીમને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે એસ.કે. પ્લાઝા કોમ્પલેક્ષના પહેલા માળે આવેલી એપ્પલ સલૂન બ્યુટી પાર્લર નામની દુકાન (નંબર એફ-3,4) માં જુગાર રમાડવામાં આવી રહ્યો છે. દુકાનના સંચાલક મિલનકુમાર બચુભાઈ નાયી પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડતા હતા. જેના આધારે, LCB પોલીસ ટીમ એસ.કે. પ્લાઝા કોમ્પલેક્ષ પહોંચી હતી. દુકાનનું શટર અડધું ખુલ્લું હોવાથી અંદર પ્રવેશ કરતા, અંદરના રૂમમાં લાઈટ ચાલુ હતી અને ગંજીપાના ચીપવાનો અવાજ આવતો હતો. પોલીસે રૂમમાં સાત ઇસમોને ગોળ કુંડાળું વળીને પૈસા વડે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જુગાર રમાડનાર મિલનકુમાર બચુભાઈ નાયી પાસેથી ₹10,250 રોકડા મળી આવ્યા હતા. અન્ય છ જુગારીઓ પાસેથી પણ રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. તેમાં સમીરકુમાર બળદેવભાઈ પટેલપાસેથી ₹7,900, અજીતજી જવાનજી ઠાકોર પાસેથી ₹2,400, મહેન્દ્રભાઈ પ્રભુદાસ પ્રજાપતિ પાસેથી ₹5,700, યશ હરેશભાઈ મોદી પાસેથી ₹10,900, રોહિતકુમાર દિનેશભાઈ રાવલ પાસેથી ₹3,300 અને દર્શન નિતિનભાઈ વ્યાસ પાસેથી ₹2,600 નો સમાવેશ થાય છે. પોલીસે દાવ પરથી ₹16,300 રોકડા અને 52 ગંજીપાના પણ જપ્ત કર્યા હતા. આમ, રેડ દરમિયાન કુલ ₹59,350 રોકડ અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પાટણ સિટી પોલીસ સ્ટેશનમાં સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી, હેડ કોન્સ્ટેબલ મૌલિકકુમાર કિર્તિકુમાર પટેલને વધુ તપાસ સોંપવામાં આવી છે.
પાટણના એપ્પલ સલૂનમાં જુગારધામ ઝડપાયું:LCB એ દરોડો પાડી 7 જુગારીઓને રૂ. 59,350ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
