ભાવનગર પંથકમાં ચકચાર મચાવનારા ઝેરી લઠ્ઠાકાંડ મામલે તપાસ કરી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલને એક મોટી અને મહત્વપૂર્ણ સફળતા સાંપડી છે. આ ગોઝારા કાંડમાં વપરાયેલા ઝેરી કેમિકલ એટલે કે મિથેનોલનો મુખ્ય સોર્સ શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ ઝેરી મિથેનોલનો જથ્થો છેક દેશની રાજધાની દિલ્હીથી ગુજરાત સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
SMC ની 16 ટીમો 5 રાજ્યોમાં તપાસ માટે મેદાનમાં
ઝેરી દારૂમાં મિથેનોલ કેમિકલનો ઉપયોગ થયો હોવાનું ફોરેન્સિક અને વૈજ્ઞાનિક તપાસમાં પ્રસ્થાપિત થયા બાદ SMC ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્ય અને દેશભરમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ-અલગ 16 ટીમો બનાવીને ગુજરાત ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં સઘન ચેકિંગ અને દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
દિલ્હીના ગોડાઉનથી અમદાવાદ સુધી મોકલાયું હતું મિથેનોલ
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું છે કે, દિલ્હીના પ્રમોદકુમાર બુડાકોટી નામના મુખ્ય આરોપીએ રોહિત પ્રધાન અને કેશવ જાટવ નામના વ્યક્તિઓને મિથેનોલ કેમિકલ સપ્લાય કર્યું હતું. ત્યારબાદ આ રોહિત પ્રધાન અને કેશવ જાટવે અન્ય સ્થાનિક બૂટલેગરો તથા કુરિયર નેટવર્ક મારફતે કેમિકલનો આ ઝેરી જથ્થો ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન મારફતે અમદાવાદ સુધી પહોંચાડ્યો હતો.
દિલ્હી પોલીસના સહયોગથી 3 મુખ્ય સપ્લાયરો ઝડપાયા
ગુજરાત SMC ની ટીમે દિલ્હી પોલીસની ખાસ મદદ મેળવીને દિલ્હી ખાતે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન દિલ્હીથી કેમિકલ મોકલનારા ત્રણેય મુખ્ય આરોપીઓ પ્રમોદકુમાર બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવની ધરપકડ કરી લેવામાં આવી છે. ગુજરાત પોલીસ હાલ દિલ્હીની સ્થાનિક કોર્ટમાંથી આ ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેમને કાનૂની કાર્યવાહી માટે ગુજરાત લાવવાની તજવીજ કરી રહી છે.
કુલ 31 આરોપીઓની ધરપકડ, સપ્લાય ચેઈનનો ભાંડો ફોડવા તપાસ તેજ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસની આક્રમક કાર્યવાહીને પગલે અત્યાર સુધીમાં કેમિકલ લાવનારા, દારૂ બનાવનારા અને વેચનારા સહિત કુલ 31 આરોપીઓની વિધિવત ધરપકડ કરી લેવામાં આવી છે. આ મિથેનોલ મૂળ કઈ કંપની કે ફેક્ટરીમાંથી ખરીદવામાં આવ્યું હતું અને આ આખી ગેરકાયદેસર ક્રોસ-સ્ટેટ સપ્લાય ચેઈનમાં અન્ય કયા મોટા માથાં સંડોવાયેલા છે તે તમામ દિશાઓમાં તપાસના ચક્રો વધુ ગતિમાન કરવામાં આવ્યા છે.
