Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન, વિદ્યાર્થીઓને આ 7 પાપથી દૂર રહેવા કર્યું આહ્વાન

📅 Published: August 27, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન સામે બેઠેલા 900 થી વધુ વિદ્યાર્થીઓને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દિવસને અનમોલ ગણાવ્યો હતો. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમણે ગૂજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીના પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો છે, પરંતુ ક્યારેય કલ્પના ન હતી કરી કે, તેઓ પોતે ગૂજરાત વિદ્યાપીઠના મંચ પર મુખ્ય અતિથિ તરીકે ભાષણ આપશે.

માતાનું ખાદી વ્રત અને બાળપણના સંસ્કારોનું સ્મરણ

પોતાના જીવનના સંસ્કારો વાગોળતા અમિત શાહે જણાવ્યું હતું કે, તેમના માતા મહાત્મા ગાંધીના અનુયાયી હતા. તેમણે બાળપણમાં પોતે પણ ખાદી વણી છે અને સૂતર કાંત્યું છે. તેમની માતાએ જીવનપર્યંત માત્ર ખાદી પહેરવાનું વ્રત લીધું હતું. આઝાદી પછી ભારતની શિક્ષણ નીતિનું મોડલ કેવું હોવું જોઈએ, તે આ વિદ્યાપીઠે સાબિત કરી બતાવ્યું છે. રાજ્યપાલ અને આચાર્ય પરંપરાના કુલાધિપતિના નેતૃત્વમાં લાંબા સમય બાદ વિદ્યાપીઠ ફરી ગાંધીજીના મૂળ વિચારો સાથે આગળ વધી રહી છે.

જીવનના ઉતાર-ચડાવ અને કઠણાઈઓ વચ્ચે લક્ષ્ય નિર્ધારણ

વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં તેમણે ઉમેર્યું કે, જીવનમાં અનેક ઉતાર-ચડાવ અને કઠણાઈઓ આવે છે. તેમણે પોતાના અનુભવોમાંથી કહ્યું કે, ઘણા લોકોએ મને નિરાશ કરવાના પ્રયાસો કર્યા, પરંતુ હું હિંમત હાર્યા વગર હસતા હસતા બહાર નીકળી ગયો કારણ કે મારું લક્ષ્ય સ્પષ્ટ હતું. તેમણે સલાહ આપી કે, લક્ષ્ય ક્યારેય પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ દેશ અને પરિવાર માટે નક્કી કરવું જોઈએ. કામ થશે કે નહીં તે વિચારવા કરતાં કામ કરવું કે ન કરવું એ વિચારવું વધુ મહત્વનું છે.

ગાંધીજીના 100 વર્ષ જૂના વિચારો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020

અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે, આજે અને 100 વર્ષ પછી પણ દુનિયાના કલ્યાણ માટે એટલો જ મહત્વનો રહેશે. વર્ષ 1920 માં અસહયોગ આંદોલન અને દાંડી યાત્રાના ચિંતનમાંથી વિદ્યાપીઠનો વિચાર આવ્યો હતો. સ્વભાષા વગર સ્વરાજ્ય શક્ય નથી. વર્ષ 2020 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, તે મૂળભૂત મૂલ્યો બદલ્યા વગર 5 મુખ્ય સ્તંભો પર બનાવવામાં આવી છે, જે ભારતીય જ્ઞાન પરંપરાને પુનર્જીવિત કરશે. ગાંધીજી હંમેશા ‘નવનિર્માણ’ ના બદલે ‘પુનઃનિર્માણ’ ની વાત કરતા હતા.

ગાંધીજીએ દર્શાવેલા 7 સામાજિક પાપ યાદ રાખવા આહ્વાન

પોતાના પ્રબોધનમાં તેમણે ગાંધીજીએ ગણાવેલા 7 સામાજિક પાપને હંમેશાં યાદ રાખવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

  • સિદ્ધાંત વિહીન રાજનીતિ
  • નૈતિકતા વિહીન વ્યાપાર
  • શ્રમ વિહીન ધન
  • વિવેક વિહીન જ્ઞાન અને ભોગ
  • ચારિત્ર્ય વિહીન જ્ઞાન
  • માનવતા વિહીન વિજ્ઞાન
  • ત્યાગ વગરની ઉપાસના

તેમણે કહ્યું કે, આપણને આ પાપ વિશે ખ્યાલ હશે તો ખોટા કામ કરતી વખતે સંશય થશે અને આપણે સાચા માર્ગ પર રહી શકીશું.

વર્ષ 2047 ના સમૃદ્ધ ભારતના સાક્ષી બનશે યુવાનો

મંચ પરથી ભાવુક અપીલ કરતાં અમિત શાહે કહ્યું કે, આજે મંચ પર બેઠેલા લોકોમાંથી કદાચ જૂજ લોકો વર્ષ 2047 માં હશે, પરંતુ સામે બેઠેલા 900 વિદ્યાર્થીઓ 2047 માં ચોક્કસ હશે. તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે ભારતના આઝાદીના શતાબ્દી વર્ષમાં વિકસિત અને સમૃદ્ધ ભારત પોતાની આંખે જોશો. વિદ્યાપીઠમાંથી બહાર નીકળીને સમાજમાં આવનારી પડકારો સામે શીખેલા જ્ઞાનનો સતત સ્વાધ્યાય કરવા તેમણે ટાંક્યું હતું.

આ પણ વાંચો – India News : પંજાબના ફરાર ડ્રગ્સ સપ્લાયર સામે NCBની આકરી કાર્યવાહી, 2.80 કરોડની મિલકત કરી ફ્રીઝ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *