અમદાવાદ શહેરને નશા મુક્ત કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે NDPS (નાર્કોટિક્સ) ના ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને છેલ્લા 12 દિવસમાં જ MD ડ્રગ્સ અને ગાંજાના કુલ 10 જેટલા ગંભીર કેસો શોધી કાઢવામાં આવ્યા છે. આ દરોડાઓ દરમિયાન પોલીસે રૂ. 15 લાખથી પણ વધુની કિંમતનો માતબર ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રાણીપમાંથી હિરેન ઉર્ફે કાળીયો ઝડપાયો, રાજસ્થાન કનેક્શન ખુલ્યું
NDPS સામેની આ કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચને બે અલગ-અલગ કેસમાં મોટી સફળતા મળી છે. રાણીપ વિસ્તારમાંથી ચોક્કસ બાતમીના આધારે પોલીસે હિરેન ઉર્ફે કાળીયો ભટ્ટ નામના ઈસમની ધરપકડ કરી હતી. તેની તલાશી લેતાં તેની પાસેથી 38 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં હિરેને ખુલાસો કર્યો હતો કે, તે આ ગાંજો ઝુલતા મિનારા પાસે રહેતા રહીમ અન્સારી પાસેથી મેળવતો હતો. રહીમ આ ડ્રગ્સનો જથ્થો સાબરમતી રેલવે સ્ટેશન મારફતે છેક રાજસ્થાનના પ્રતાપગઢથી મંગાવતો હોવાનું સામે આવતાં પોલીસે તપાસ લંબાવી છે.

બાપુનગરમાંથી રૂ. 1 લાખના ગાંજા સાથે બિહારનો યુવક પકડાયો
બીજા એક સફળ ઓપરેશનમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાપુનગર વિસ્તારમાંથી મોહમ્મદ સદાબ આલમ નામના આરોપીની ધરપકડ કરી છે. મૂળ બિહારનો વતની એવો સદાબ બાપુનગરમાં ગાંજાનું વેચાણ કરતો હતો. તેની પાસેથી રૂ. 1 લાખની અંદાજિત કિંમત ધરાવતો 2.51 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સદાબ આ જથ્થો મોહમ્મદ જુનેદ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો.
ડ્રગ્સના મુખ્ય સપ્લાયરો સુધી પહોંચવા પોલીસની તપાસ તેજ
માત્ર 12 દિવસના ટૂંકા ગાળામાં ડ્રગ્સ અને ગાંજાના 10 કેસ નોંધીને રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાતાં નશાના કારોબારીઓમાં ફાળ પડી છે. આ કેસમાં હવે મોહમ્મદ જુનેદ અને રહીમ અન્સારીને ડ્રગ્સ સપ્લાય કરનારા મુખ્ય માસ્ટરમાઈન્ડ કોણ છે અને અમદાવાદ શહેરમાં આ સ્થાનિક નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
