સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં જ સામે આવેલા ચકચારી રેગિંગ કાંડની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં ટ્રોમા સેન્ટરમાં ફરજ પર તહેનાત ઓર્થોપેડિક વિભાગના એક રેસિડન્ટ ડોક્ટર દારૂના નશામાં હોવાની પ્રબળ આશંકા ઊભી થતાં સમગ્ર સિવિલ કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઈ છે. અતિ ગંભીર હાલતના દર્દીઓની સારવાર ચાલી રહી હતી તેવા સંવેદનશીલ સમયે બનેલી આ ઘટનાને પગલે હોસ્પિટલ પ્રશાસનની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. ગંભીર દર્દીઓની સારવાર વચ્ચે શંકાસ્પદ હિલચાલ નજરે પડી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે સાંજે નવી સિવિલના ટ્રોમા સેન્ટરમાં ગંભીર દર્દીઓની ઈમરજન્સી સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ઓર્થોપેડિક વિભાગમાં ફરજ બજાવતા એક રેસિડન્ટ ડોક્ટરની શારીરિક હિલચાલ, લથડિયાં અને વર્તણૂક અસામાન્ય જણાતાં ત્યાં હાજર સિનિયર ડોક્ટરોનું ધ્યાન ગયું હતું. સિનિયર તબીબોને પ્રાથમિક દૃષ્ટિએ જ શંકા ગઈ હતી કે સંબંધિત રેસિડન્ટ તબીબ દારૂના નશામાં ચૂર થઈને દર્દીઓની સારવાર કરી રહ્યો છે. સિનિયર ડોક્ટરો સાથે ઉદ્ધત વર્તન કરી રેસિડન્ટ સ્થળ પરથી ગાયબ
શંકાસ્પદ વર્તનને પગલે સિનિયર ડોક્ટરોએ જ્યારે રેસિડન્ટ તબીબની પૂછપરછ શરૂ કરી ત્યારે મામલો વધુ ગરમાયો હતો. પોતાની ભૂલ સ્વીકારવાને બદલે રેસિડન્ટ ડોક્ટરે સિનિયર તબીબો સાથે ઉદ્ધત અને અશોભનીય વર્તન શરૂ કરી દીધું હતું. પરિસ્થિતિ વણસતાં મેડિકલ ઓફિસરે તાત્કાલિક ઓર્થોપેડિક વિભાગના વડા તથા ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કર્યા હતા. દરમિયાન મામલો ગંભીર બનતો જોઈને સંબંધિત રેસિડન્ટ ડોક્ટર ઈમરજન્સી વિભાગમાં જવાનું બહાનું કાઢીને સ્થળ પરથી રવાના થઈ ગયો હતો. તંત્રની ઢીલી નીતિ સામે સવાલો
હોસ્પિટલ કેમ્પસમાં એ વાતની પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે જો રેસિડન્ટ ડોક્ટર નશામાં હોવાની પ્રબળ શંકા હતી, તો તંત્ર દ્વારા તાત્કાલિક તેનું બ્લડ સેમ્પલ લઈને આલ્કોહોલ ટેસ્ટ કેમ ન કરાવાયો? જવાબદાર અધિકારીઓએ સમગ્ર મામલે તાકીદે પોલીસ ફરિયાદ કે કાયદેસરની મેડિકલ તપાસ કરાવવાને બદલે ઢીલી નીતિ અપનાવી આરોપી તબીબને છાવરવાનો પ્રયાસ કર્યો હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. આંતરિક તપાસ બાદ કડક શિસ્તભંગના પગલાં ભરાશે: ડો. હરિમેનન
સમગ્ર વિવાદ અંગે નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો. હરિમેનને જણાવ્યું હતું કે આ બનાવની સત્યતા તપાસવા માટે વિભાગીય સ્તરે આંતરિક તપાસ શરૂ કરવામાં આવશે. તપાસના અંતે જો રેસિડન્ટ ડોક્ટર ફરજ દરમિયાન નશો કરવા કે ગેરવર્તણૂક મામલે કસૂરવાર સાબિત થશે, તો તેની સામે નિયમાનુસાર કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
સુરત સિવિલમાં રેગિંગકાંડ બાદ નવો વિવાદ:ટ્રોમા સેન્ટરમાં દર્દીઓની સારવાર વચ્ચે રેસિડન્ટ ડોક્ટર નશામાં હોવાની આશંકા, તંત્રની ઢીલી નીતિ સામે ગંભીર સવાલો ઊઠ્યા
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
