આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ગુજરાતના વિશેષ પ્રવાસે આવ્યા છે, જ્યાં તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાત સરકારની નાણાકીય વ્યવસ્થાપન, સરકારી સાહસો અને ઔદ્યોગિક નીતિઓ સહિતની વિવિધ ‘બેસ્ટ પ્રેક્ટિસ’ને વિગતવાર સમજવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આસામના નાણામંત્રી અને ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે આવેલા હિમંતા બિસ્વા શર્માએ ગુજરાતના સફળ ગવર્નન્સ મોડલની મુક્તમને પ્રશંસા કરી હતી. સરકારી નાણાકીય વ્યવસ્થાપન અને નીતિઓ શીખવા આસામનું ડેલિગેશન ગુજરાતમાં
આસામના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સમગ્ર દેશ માટે ઉત્કૃષ્ટ શાસન અને નાણાકીય વ્યવસ્થાપનનું પ્રેરણારૂપ ઉદાહરણ છે. તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કોન્ફરન્સ રૂમમાં આશરે 2થી 3 કલાક સુધી વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુજરાતમાં અમલી બનેલી શ્રેષ્ઠ વહીવટી પદ્ધતિઓ, રોકાણકારોને આકર્ષવા માટે અપાતા નોન-ફિઝિકલ ઇન્સેન્ટિવ્સ અને નીતિ-નિયમોમાંથી ઉપયોગી બાબતો શીખીને આસામમાં તેનો અમલ કરવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. ગુજરાતનું PSU મોડલ, GST વ્યવસ્થાપન અને GSFCની સફળતાની સરાહના
હિમંતા બિસ્વા શર્માએ ગુજરાતના સરકારી સાહસો (PSU) ના સંચાલન મોડલની ખાસ પ્રશંસા કરી હતી. સરકારી એકમોને કેવી રીતે સતત નફાકારક બનાવવા, તેમનું શેરબજારમાં લિસ્ટિંગ કરાવી કેપિટલ માર્કેટમાંથી મૂડી કેવી રીતે એકત્ર કરવી તે અંગે તેમણે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ ઉપરાંત રાજ્યમાં જીએસટી (GST) નું સરળ અમલીકરણ, એકંદર નાણાકીય વ્યવસ્થાપન અને જીએસએફસી (GSFC) ના કાર્યક્ષમ મોડલને તેમણે આસામના આર્થિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. દરરોજ 4.8 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે
પોતાના રાજ્યના વિકાસ અંગે વિગતો આપતાં હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે, આસામ ભૌગોલિક રીતે પોર્ટ અને દરિયાકિનારાથી દૂર હોવા છતાં છેલ્લા 5 વર્ષમાં ત્યાં મોટા પાયે ઔદ્યોગિક મૂડીરોકાણ આકર્ષવામાં સફળતા મળી છે. ખાસ કરીને હાઇટેક સેમિકન્ડક્ટર ક્ષેત્રે આસામ ઝડપથી આગળ વધી રહ્યું છે. આગામી ડિસેમ્બર મહિનામાં આસામના મહત્વકાંક્ષી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે, જેમાં દૈનિક આશરે 4.8 કરોડ માઇક્રોચિપ્સના પેકેજિંગ અને ઉત્પાદનની અધતન ક્ષમતા હશે. ગુજરાતની શ્રેષ્ઠ ઔદ્યોગિક નીતિઓ અપનાવીને આસામને પૂર્વોત્તર ભારતનું અગ્રણી ઔદ્યોગિક હબ બનાવવાની દિશામાં કામગીરી તેજ કરાશે.
'ગુજરાત સમગ્ર દેશ માટે બેસ્ટ પ્રેક્ટિસ છે':આસામના CMએ 3 કલાક સુધી ગુજરાત મોડલ અને રોકાણ નીતિઓ પર મંથન કર્યું
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
