સુરતમાં સંજીવકુમાર ઑડિટોરિયમ બંધ કરવા સામે કલાજગત લાલઘૂમ:43થી વધુ શો રદ થવાની ભીતિ, પાલિકા સમક્ષ રજૂઆત

📅 Published: August 27, 2026 | 📂 Category: gujarati-news

સુરત શહેરના પાલ વિસ્તારમાં આવેલા જાણીતા સંજીવકુમાર ઑડિટોરિયમને ₹23.41 કરોડના ખર્ચે મોટા પાયે રિનોવેશન કરવા માટે આગામી 1 ઓક્ટોબરથી 15 મહિના સુધી સંપૂર્ણ બંધ રાખવાના સુરત મહાનગરપાલિકાના નિર્ણય સામે શહેરના નાટ્ય, સંગીત અને કલા જગતમાં ભારે રોષ ફેલાયો છે. તહેવારો અને કાર્યક્રમોની મુખ્ય ગણાતી ઓક્ટોબરથી ડિસેમ્બરની સિઝનમાં અગાઉથી બુક થયેલા 43 વધુ નાટક અને મ્યુઝિકલ શો અચાનક રદ થવાની સ્થિતિ સર્જાતાં નારાજ ઇવેન્ટ આયોજકો પાલિકા કચેરી ખાતે દોડી આવ્યા હતા. આયોજકોએ સ્થાયી સમિતિના ચેરમેન સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે કે નાનપુરા સ્થિત ગાંધી સ્મૃતિ ભવનનું રિનોવેશન પૂર્ણ થઈ તે જાહેર જનતા માટે શરૂ ન થાય ત્યાં સુધી સંજીવકુમાર ઑડિટોરિયમ બંધ ન કરવામાં આવે. ગાંધી સ્મૃતિ શરૂ થયા વિના હોલ બંધ થતાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઠપ થશે
આયોજકોનું કહેવું છે કે, વર્ષ 2019માં ગાંધી સ્મૃતિ ભવન રિનોવેશન માટે બંધ કરવામાં આવ્યું ત્યારે તમામ મોટા સાંસ્કૃતિક કાર્યક્રમો સંજીવકુમાર ઑડિટોરિયમમાં ખસેડવામાં આવ્યા હતા. હવે જો ગાંધી સ્મૃતિ શરૂ થયા પહેલાં જ સંજીવકુમાર હોલ પણ 15થી 20 મહિના માટે એકાએક બંધ કરી દેવાશે તો સમગ્ર સુરત શહેરમાં મોટા કાર્યક્રમો માટે કોઈ સુસજ્જ વિકલ્પ બચશે નહીં. આ સ્થિતિના કારણે સુરતમાં નાટક અને સંગીતની તમામ ગતિવિધિઓ આગામી દોઢ વર્ષ માટે સાવ ઠપ થઈ જશે. હંગામી સમારકામ થયું હોવાથી હોલ તાત્કાલિક બંધ ન કરવા અપીલ: ધીરેન શાહ
અગ્રણી ઇવેન્ટ આયોજક ધીરેન શાહે જણાવ્યું હતું કે, પાલિકાની નવીનીકરણ અને વિકાસની કામગીરી આવકાર્ય છે, પરંતુ તેનું યોગ્ય આયોજન હોવું જરૂરી છે. ગાંધી સ્મૃતિ ભવનનું કામ આગામી 2થી 3 મહિનામાં પૂરું થવાને આરે છે, અને હાલ સંજીવકુમારમાં ચોમાસાની લિકેજની સમસ્યા માટે જરૂરી હંગામી વ્યવસ્થા થઈ ચૂકી છે. આ સંજોગોમાં હોલને તાત્કાલિક બંધ કરવાની કોઈ ઉતાવળ ન હોવી જોઈએ. લાંબા સમય સુધી નાટકો અને કાર્યક્રમો બંધ રહેવાથી દર્શકો થિયેટરથી વિમુખ થઈ જશે અને ભવિષ્યમાં તેમને ફરી હોલ સુધી લાવવા મુશ્કેલ બનશે. લાખો રૂપિયાના એડવાન્સ પેમેન્ટ ફસાયા
વરિષ્ઠ નાટ્ય આયોજક વસીમ ઝરીવાલા અને અનિલ ગાંધીએ સંભવિત આર્થિક નુકસાન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આગામી તહેવારોની સિઝનમાં યોજાનારા કાર્યક્રમો માટે મુંબઈ તેમજ સ્થાનિક કલાકારો, ઓર્કેસ્ટ્રા ટીમ અને ટેકનિશિયનોને લાખો રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે. જો કાર્યક્રમો રદ થશે તો આયોજકોને મોટો આર્થિક ફટકો પડશે અને કલાકારોની રોજીરોટી છીનવાઈ જશે. કલા ક્ષેત્રના અગ્રણીઓએ પાલિકા તંત્રને તબક્કાવાર પ્લાનિંગ કરી કલાપ્રેમીઓ અને કલાકારોના હિતમાં વ્યવહારુ નિર્ણય લેવા નમ્ર અપીલ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *