રક્ષાબંધનના તહેવારને કારણે ગુરુવારે સાંજે દિલ્હી-NCRના રસ્તાઓ પર અચાનક વાહનોનું ભારણ વધી ગયું હતું. ગાઝિયાબાદથી લઈને નોઇડા અને ગ્રેટર નોઈડા સુધીના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર વાહનોની ગતિ ધીમી પડી હતી અને અનેક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
તહેવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો પરિવાર અને સંબંધીઓના ઘરે જવા માટે નીકળ્યા હતા. ઉપરાંત રક્ષાબંધનની ખરીદી માટે બજારોમાં પણ ભીડ વધતા રસ્તાઓ પર વાહનોનો દબાણ વધી ગયો હતો.
સાંજે 4 વાગ્યાથી ટ્રાફિક જામ
સાંજે લગભગ 4 વાગ્યાથી દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર વાહનોનું દબાણ વધવાનું શરૂ થયું હતું. ત્યારબાદ ધીમે ધીમે ટ્રાફિકની ગતિ ઘટતી ગઈ. આઠ લેનના એક્સપ્રેસવે પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. લાલકુઆથી ડાસના વચ્ચે અનેક સ્થળોએ વાહનો ધીમી ગતિએ આગળ વધતા જોવા મળ્યા હતા. જામની અસર એક્સપ્રેસવે સાથે જોડાયેલા અન્ય રસ્તાઓ પર પણ જોવા મળી હતી. ગાઝિયાબાદથી નોઇડા તરફ જતા ટ્રાફિકના વધેલા દબાણને કારણે ગ્રેટર નોઈડા વેસ્ટના ચાર મૂર્તિ, એક મૂર્તિ, ક્રોસિંગ રિપબ્લિક અને શાહબેરી સહિતના વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો રહ્યો હતો.
ટ્રાફિક પોલીસે સંભાળી સ્થિતિ
તિલપતા માર્ગ, દાદરી અને GT રોડ (NH-91) પર પણ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અનેક સ્થળોએ ટ્રાફિક પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી. વાહનોનું દબાણ ઘટાડવા માટે કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી જામમાં ફસાયેલા વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને પરેશાની થઈ હતી. પોલીસે લોકોને તહેવારો દરમિયાન ઘરેથી નીકળતા પહેલાં ટ્રાફિકની સ્થિતિ તપાસવા અને શક્ય હોય ત્યાં વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : BPSC TRE-4 હવે એક જ તબક્કામાં લેવાશે, બિહાર સરકારે વિદ્યાર્થીઓની માગ સ્વીકારી
