આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ:ચોટીલામાં 35 કરોડના ખર્ચે બનેલા સંગ્રહાલય-પુસ્તકાલયમાં મેઘાણીના જીવન-સર્જન અને લોકસાહિત્યની ભવ્ય ઝાંખી

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

28 ઓગસ્ટ, 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં જન્મેલા ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, લોકસાહિત્યકાર, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની હતા. 9 માર્ચ, 1947ના રોજ બોટાદ ખાતે 51 વર્ષની વયે તેમનું અવસાન થયું. આજે તેમની જન્મજયંતિ નિમિત્તે ચોટીલા સ્થિત તેમના જન્મસ્થળ અને સ્મૃતિસ્થળો ફરી યાદ આવે છે. ચોટીલામાં રૂ.39 કરોડના ખર્ચે ભવ્ય સંગ્રહાલય બનાવાયું
મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં 5,000 ચોરસ મીટરના પરિસરમાં 35 કરોડ રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ.5 કરોડના ખર્ચે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં મેઘાણીજીના જીવન, સર્જન અને યાદગાર સંસ્મરણોની સચિત્ર ઝાંખી જોવા મળે છે. સાત ગેલેરીમાં જીવન અને સર્જનની સફર
સંગ્રહાલયમાં મેઘાણીના જીવનકવનને રજૂ કરતી સાત ગેલેરીઓ તૈયાર કરવામાં આવી છે. જ્યારે પુસ્તકાલયમાં તેમના તમામ સાહિત્ય સર્જન ઉપરાંત સંશોધકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જરૂરી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મેઘાણી સર્કિટ અંતર્ગત રાજકોટની પ્રાથમિક શાળા અને ધંધુકાના રેસ્ટ-હાઉસને પણ સ્મૃતિસ્થળ તરીકે વિકસાવવામાં આવ્યા છે. લોકસાહિત્યને સાહિત્યના મુખ્ય પ્રવાહમાં સ્થાન અપાવ્યું
મેઘાણીએ ગામડાંઓમાં ફરી ભાટ-ચારણો, બારોટો, ભજનિકો અને લોકગાયકો પાસેથી લોકગીતો અને લોકકથાઓ એકત્ર કરી. ‘સૌરાષ્ટ્રની રસધાર’ સહિતની કૃતિઓ દ્વારા તેમણે સૌરાષ્ટ્રના લોકજીવન અને લોકવાણીને ગુજરાતી સાહિત્યમાં અમર સ્થાન અપાવ્યું. ‘સિંધુડો’ શૌર્યગીતોથી સ્વાતંત્ર્યની જ્યોત પ્રગટાવી
1930ના સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન મેઘાણીની કલમ અને વાણી રાષ્ટ્રજાગૃતિનું માધ્યમ બની. ‘સિંધુડો’ના શૌર્યગીતોમાં સ્વાતંત્ર્ય અને બલિદાનનો જ્વલંત સંદેશ હતો. બ્રિટિશ સરકારે પુસ્તક જપ્ત કરી તેમને બે વર્ષની કેદની સજા ફટકારી, છતાં તેમની રચનાઓ લોકકંઠે જીવંત રહી. ગાંધીજીએ આપ્યું ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ
1931માં ગાંધીજી લંડન જવા નીકળ્યા ત્યારે મેઘાણીએ ‘છેલ્લો કટોરો’ કાવ્ય રચ્યું હતું. આ રચનાથી પ્રભાવિત થઈ ગાંધીજીએ મેઘાણીની રાષ્ટ્રીય ભાવનાની પ્રશંસા કરી અને ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ લોકસ્મૃતિમાં અમર બન્યું. આજે પણ જીવંત છે મેઘાણીની કલમ
‘સોરઠ તારા વહેતાં પાણી’, ‘યુગવંદના’, ‘સોરઠી સંતવાણી’ અને ‘માણસાઈના દીવા’ જેવી કૃતિઓ દ્વારા મેઘાણીએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. ચોટીલામાં ઉભેલું તેમનું સંગ્રહાલય નવી પેઢીને આ મહાન સાહિત્યકારના જીવન, સંઘર્ષ અને સર્જન સાથે જોડવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *