કિશનવાડી વિસ્તારમાં પૂર્વ કાઉન્સિલરના મકાન નજીક રોડ પર કોંક્રિટના બ્લોકથી શ્રીજી મંડપ ઊભો કરાતાં દબાણ શાખાની ટીમ તેને તોડવા પહોંચી હતી. જોકે, સ્થાનિક કાઉન્સિલરે મધ્યસ્થી કરીને કામગીરી અટકાવી હતી. વોર્ડ 4ના કાઉન્સિલરે પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘અધિકારીઓને કિશનવાડી વિસ્તાર જ દેખાય છે.?’ કિશનવાડી વિસ્તારમાં રહેતા પૂર્વ કાઉન્સિલર સપનાબેન માછીના ઘર નજીક રોડ પર કોંક્રિટના બ્લોકથી શ્રીજી મંડપ બનાવાઈ રહ્યો હતો. આથી ડેપ્યુટી કમિશનર સુરેશ તુવેર અને દબાણ શાખાની ટીમ સવારે જેસીબી સાથે મંડપ હટાવવા પહોંચી હતી. દબાણ શાખાની ટીમ પહોંચતાં જ ગણેશ મંડળના આયોજકો અને સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને કામગીરીનો વિરોધ કર્યો હતો. બીજી તરફ, વોર્ડ 4ના કાઉન્સિલર મનોજ શાહ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાલિકાની કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો. આયોજકોનું કહેવું હતું કે તેઓ વર્ષોથી આ જ સ્થળે ગણેશ સ્થાપન કરે છે, છતાં આ વખતે પાલિકા હેરાનગતિ કરી રહી છે. કાઉન્સિલર મનોજ શાહે દલીલ કરી હતી કે આ વખતે કેદારનાથની થીમ હોવાથી હાલ પૂરતું હંગામી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. આખરે અધિકારીઓ અને આયોજકો વચ્ચે સમજાવટ થતાં મામલો થાળે પડ્યો હતો. રોડ પર મંડપ બનતાં દબાણ શાખા પહોંચી
કિશનવાડી વિસ્તારમાં રોડ પર કોંક્રિટ સ્ટ્રક્ચર ઊભું કર્યું હોવાની માહિતી મળતાં ટીમ ત્યાં પહોંચી હતી. સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી કામગીરી કરી નથી. > સુરેશ તુવેર, ડે. કમિશનર, પૂર્વ ઝોન મ્યુનિ. કમિશનરે કહ્યું, ટ્રાફિકને નડે નહીં તે રીતે મંડપ બનાવજો
શહેરના 50થી વધુ ગણેશ મંડળો સાથે પાલિકામાં મ્યુનિ. કમિશનરે બેઠક યોજી આયોજકોને રોડ પર મંડપ ઊભા ન કરવા અપીલ કરી હતી. તદુપરાંત સ્વચ્છતા જાળવવા માટે અને ટ્રાફિકને અડચણરૂપ ન બને તેવા પ્રયાસો હાથ ધરવા સૂચન કરાયું હતું. અગાઉ કિશનવાડીના ઠેકરનાથ રોડ પર જ ધાર્મિક સ્ટ્રક્ચર તોડવા ટીમ પહોંચતાં વિવાદ સર્જાયો હતો
કિશનવાડીમાં ઠેકરનાથ રોડ પર ધાર્મિક સ્થળના રિનોવેશન મુદ્દે વિવાદ સર્જાયો હતો. તે સમયે પણ દબાણ શાખા જ સ્ટ્રક્ચર હટાવવા પહોંચતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. કાઉન્સિલર મનોજ શાહે તે સમયે દબાણ શાખાની કામગીરીનો વિરોધ કર્યો હતો. શ્રીજી મંડપના બાંધકામ મુદ્દે પણ ટીમને કિશનવાડી જ દેખાતું હોવાનો આક્ષેપ થયો છે.
કિશનવાડીમાં પાલિકા ગણેશ મંડપ તોડવા જતાં હોબાળો:કિશનવાડીમાં પાલિકા ગણેશ મંડપ તોડવા જતાં હોબાળો, સ્ટ્રક્ચર હંગામી છે કહેતાં ન તોડાયું
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
