વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ ટાવરમાંથી અત્યંત મહત્વપૂર્ણ ગણાતાં ASIB (આરઆરયુ ફાઈબર/સિસ્ટમ ઓપરેટિંગ) કાર્ડની ચોરી કરતી આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે ટાવર કંપનીમાં જ કામ કરતા 3 કર્મચારીઓ આ ચોરીમાં સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પૂરણ રાઠોડ, રાજેશ પઢીયાર અને સંજય કોળી નામના 3 આરોપીઓની અટકાયત કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી આચરેલી 5 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આફ્રિકામાં કાર્ડ વેચીને આર્થિક ફાયદો મેળવતા
ASIB કાર્ડ એ મોબાઈલ ટાવરના સમગ્ર સંચાલન (Network Operations) માટે અત્યંત મહત્વનું અને મોંઘું કોમ્પોનન્ટ ગણાય છે. આરોપીઓ માત્ર આર્થિક ફાયદા માટે જ પોતાના જ નેટવર્ક કંપનીના ટાવરોને નિશાન બનાવીને આ કાર્ડની ચોરી કરતા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ચોરી કરેલા ASIB કાર્ડને તેઓ આફ્રિકાના દેશોમાં ગેરકાયદેસર રીતે સપ્લાય કરતા હતા. આશરે 850 ડોલરની કિંમતનું કાર્ડ તેઓ આફ્રિકામાં રૂ.50 હજારમાં વેચી દેતા હતા.
ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી
કાર્ડની ચોરી થવાને કારણે ટેલિકોમ કંપનીઓને મોટું આર્થિક નુકસાન થવાની સાથે સાથે નેટવર્ક સેવામાં પણ ખોરવાઈ જવાની સમસ્યા ઊભી થતી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરીને તેમની પાસેથી ચોરીનો માલસામાન કબ્જે કરવાની કવાયત શરૂ કરી છે. આ ચોરીના નેટવર્કમાં આફ્રિકા સુધી કાર્ડ પહોંચાડવામાં અન્ય કોઈ એજન્ટ કે વચેટિયાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે આગળની સઘન તપાસ હાથ ધરી છે.
