વલસાડના વાપી રેલવે સ્ટેશન પર RPF અને GRP દ્વારા ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ ચલાવવામાં આવ્યું હતું. 9 થી 26 ઓગસ્ટ, 2026 દરમિયાન હાથ ધરાયેલા આ અભિયાનમાં 5 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તેમની પાસેથી ચોરીના 7 મોબાઈલ ફોન અને એક મની પર્સ સહિત કુલ રૂ. 1,54,549નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન અંતર્ગત CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ અને ઝડપી કાર્યવાહી કરીને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટે, CCTV ફૂટેજના આધારે East Booking/PRS વિસ્તારમાંથી મોબાઈલ ચોરી કરનાર એક આરોપીને પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી રૂ. 13,500ની કિંમતનો મોબાઈલ મળી આવ્યો હતો. 21 ઓગસ્ટે, PRS પરિસરમાંથી મોબાઈલ ચોરી કરીને ભાગી રહેલા મુંબઈના બોરીવલીના 29 વર્ષીય અંકિત દુબેને ઝડપી લેવાયો હતો. તેની પાસેથી ₹7,500ની કિંમતનો મોબાઈલ મળ્યો હતો, જેના પર GRP/વાપીએ કાર્યવાહી કરી હતી. 23 ઓગસ્ટે, CCTV તપાસ અને પૂછપરછના આધારે વાપીના ડુંગરાના 25 વર્ષીય જય દાસની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ₹95,899ના બે ચોરીના મોબાઈલ ફોન મળી આવ્યા હતા. 24 ઓગસ્ટે, CCTVની મદદથી સુરતના કતારગામના 69 વર્ષીય સુભાષ પારેખને પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી મની પર્સ, ₹5,650 રોકડા, PAN કાર્ડ અને વિઝિટિંગ કાર્ડ જપ્ત કરાયા હતા. આ બંને કેસમાં BNSની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 26 ઓગસ્ટે, ચેકિંગ અને પૂછપરછ દરમિયાન વાપીના ગીતાનગરના 45 વર્ષીય ઉમેશ રામની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી વિવિધ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹32,000 હતી. RPF/વાપી દ્વારા તમામ આરોપીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે GRP/વાપીને સોંપવામાં આવ્યો હતો. RPFની CCTV આધારિત સતર્કતા અને GRP સાથેના સંકલનથી મુસાફરોની ચોરીની ફરિયાદો પર ઝડપી કાર્યવાહી થઈ રહી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા માટે આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
વાપી RPF-GRPએ 5 તસ્કરોને ઝડપ્યા:રૂ. 1.54 લાખના 7 મોબાઇલ અને મની પર્સ જપ્ત કરાયા
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
