Rajkotમાં ડિજિટલ અરેસ્ટનો ખતરનાક ખેલ, વૃદ્ધા પાસેથી 55 લાખ પડાવ્યા, વધુ 43 લાખ માંગતાં ભાંડો ફૂટ્યો

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટમાં સાયબર ગઠિયાઓએ એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવી ડિજિટલ અરેસ્ટના નામે એક સપ્તાહ સુધી માનસિક દબાણમાં રાખી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે વૃદ્ધ મહિલાને ડરાવી-ધમકાવી અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ 55 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ડરાવવાનો ખેલ

આરોપીઓએ વૃદ્ધ મહિલાનો સંપર્ક કરી પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે જોડાયેલા હોવાનું જણાવ્યું હતું. વૃદ્ધ મહિલાને ગંભીર કેસમાં ફસાઈ જવાની અને કાર્યવાહીનો ભય બતાવી સતત દબાણ હેઠળ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એક સપ્તાહ સુધી ચાલેલા આ કથિત ડિજિટલ અરેસ્ટ દરમિયાન મહિલાને અન્ય કોઈ વ્યક્તિ સાથે વાત ન કરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું હોવાની શક્યતા છે.

અલગ અલગ બેંક ખાતામાં 55 લાખ ટ્રાન્સફર

ઠગાઈના આ ખેલમાં સાયબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને અલગ અલગ બેંક ખાતાઓમાં પૈસા મોકલવા માટે મજબૂર કરી હોવાનું સામે આવ્યું છે. ડિજિટલ અરેસ્ટના નામે સતત ભયનો માહોલ ઉભો કરીને કુલ 55 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. પરંતુ ગઠિયાઓની માંગ અહીં અટકી નહીં. આરોપીઓએ વૃદ્ધ મહિલા પાસે વધુ 43 લાખ રૂપિયાની માંગણી કરતાં આખરે સમગ્ર મામલો બહાર આવ્યો.

પુત્રીને જાણ થતાં પોલીસ હરકતમાં

વૃદ્ધ મહિલાની પુત્રી, જે મુંબઈમાં રહે છે, તેને આ મામલાની જાણ થતાં શંકા ગઈ અને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને વૃદ્ધ મહિલાના ઘરે પહોંચી વધુ લાખો રૂપિયા સાયબર ગઠિયાઓના ખાતામાં જતા અટકાવ્યા હતા.

તપાસ શરુ

હવે પોલીસ સમગ્ર મામલે સાયબર ગઠિયાઓ સુધી પહોંચવા માટે તપાસનો દોર આગળ વધારી રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે કાયદાના નામે ડરાવી સામાન્ય નાગરિકોને એક સપ્તાહ સુધી માનસિક કેદમાં રાખતા આવા ડિજિટલ ઠગો સુધી પોલીસ કેટલી ઝડપથી પહોંચશે?  

આ પણ વાંચો  :   Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *