સુરતની સ્મીમેર મેડિકલ કોલેજના હોસ્ટેલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. વાયરલ વીડિયો અંદાજે 15 દિવસ જૂનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં MBBS વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વિદ્યાર્થિનીની પજવણીના આક્ષેપ બાદ વિવાદ
પ્રાથમિક વિગતો મુજબ, એક MBBS વિદ્યાર્થીનીને અન્ય બેચના યુવક દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીનીની પજવણીનો મામલો સામે આવતાં તેના જ બેચમેટ્સ એકઠા થયા હતા અને આરોપી યુવક સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
બોલાચાલી બાદ જાહેરમાં મારામારી
વિવાદ ઉગ્ર બનતાં વિદ્યાર્થીનીના બેચમેટ્સે યુવકને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હોવાનો આરોપ છે. સ્મીમેર મેડિકલ કોલેજના હોસ્ટેલ કેમ્પસ બહાર થયેલી આ જૂથ અથડામણના દ્રશ્યો કોઈએ મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધા હતા. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
15 દિવસ બાદ વીડિયો સામે આવતા ચકચાર
આ ઘટના અંદાજે 15 દિવસ જૂની હોવા છતાં હવે વીડિયો વાયરલ થતાં કોલેજ પ્રશાસન સામે પણ સવાલો ઊભા થયા છે. જો વિદ્યાર્થીનીની પજવણીનો આક્ષેપ ગંભીર હતો તો આ મામલે તાત્કાલિક શું પગલાં લેવામાં આવ્યા? અને વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી સુધી મામલો કેવી રીતે પહોંચ્યો તે અંગે તપાસ જરૂરી બની છે.
કોલેજ પ્રશાસન અને પોલીસની તપાસ શરૂ
વાયરલ વીડિયોને પગલે સ્મીમેર મેડિકલ કોલેજ પ્રશાસન અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓની ઓળખ, પજવણીના આક્ષેપની સત્યતા અને મારામારી પાછળની સંપૂર્ણ ઘટનાક્રમની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ બાદ જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેના પર હવે સૌની નજર છે.
આ પણ વાંચો : Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી
