સુરત સ્મીમેર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે ધીંગાણું, VIDEO:MBBSની વિદ્યાર્થિનીની છેડતી કરતાં યુવકને મેથીપાક ચખાડ્યાની શંકા, સંચાલકોએ માફીપત્ર લખાવીને જવા દીધા

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. કોલેજની હોસ્ટેલ પરિસર બહાર MBBSના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી જૂથ અથડામણ અને ઉગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શિક્ષણ અને તબીબી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના આશરે 15 દિવસ જૂની હોવાનું સામે આવ્યું છે, જેમાં ભવિષ્યના તબીબો જ શિસ્તના લીરેલીરા ઉડાડી જાહેરમાં એકબીજા પર હાથ ઉપાડતા કેમેરામાં કેદ થયા હતા. છેલ્લા કેટલાક સમયથી હેરાન-પરેશાન કરતો હતો
આશંકા પ્રમાણે, સ્મીમેર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી એક MBBS વિદ્યાર્થિનીને અન્ય બેચનો એક યુવક છેલ્લા કેટલાક સમયથી હેરાન-પરેશાન કરતો હતો. વિદ્યાર્થિનીની સતત થઈ રહેલી કનડગત અંગે તેના સાથી વિદ્યાર્થીઓને જાણ થતાં તેઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. બેચમેટ્સે એકત્ર થઈને યુવકનો હિસાબ ચુકવવાનું નક્કી કર્યું હતું. વિદ્યાર્થીઓએ યુવકને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો
હોસ્ટેલ કેમ્પસ બહાર બંને જૂથ આમને-સામને આવી જતાં મામલો બિચક્યો હતો. વિદ્યાર્થિનીના બેચમેટ્સે પજવણી કરનાર યુવકને ઘેરી લઈ શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી કરી હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ યુવકને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા અને ધમાસાણના દ્રશ્યો કેમ્પસમાં હાજર અન્ય લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતાં વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. ‘સામાન્ય બાબતમાં ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો’
વીડિયો વાયરલ થયા બાદ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું હતું. સમગ્ર મામલે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન ડો. દીપક હોવલેએ જણાવ્યું હતું કે, મારામારીનો વીડિયો ધ્યાને આવતાં જ કોલેજ પ્રશાસન દ્વારા તાત્કાલિક એક ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટી દ્વારા હાથ ધરાયેલી આંતરિક તપાસમાં વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતમાં ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. સંચાલકોએ માફીપત્ર લખાવીને જવા દીધા
‘કોલેજ પ્રશાસને શિસ્તભંગના આ ગંભીર મામલાને થાળે પાડવા માટે કડક વલણ અપનાવ્યું હતું. તપાસ કમિટીના અહેવાલ બાદ મારામારીમાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓને બોલાવી લેખિતમાં માફીપત્ર લખાવી લેવામાં આવ્યું હતું. આ સાથે જ કોલેજ કેમ્પસમાં ભવિષ્યમાં આવી કોઈપણ અશોભનીય કે ગેરશિસ્તભરી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તમામ વિદ્યાર્થીઓને આકરી સજાની કડક ચેતવણી પણ આપવામાં આવી છે.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *