જામનગર જેલમાં 560 કેદીઓને બહેનોએ રાખડી બાંધી:જેલ પ્રશાસને વિશેષ વ્યવસ્થા કરી, લાગણીસભર માહોલમાં રક્ષાબંધનની ઉજવણી

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

જામનગર જિલ્લા જેલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની ભાવુક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં બંધ 560થી વધુ કેદી ભાઈઓને તેમની બહેનોએ રૂબરૂ મળીને રાખડી બાંધી હતી, જેના કારણે જેલ પરિસરમાં લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. તહેવારની સુચારુ ઉજવણી માટે જેલ પ્રશાસન દ્વારા આગોતરું આયોજન અને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. બહેનો સરળતાથી પોતાના ભાઈઓને મળી શકે તે માટે ક્રમાનુસાર જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેલ તંત્ર તરફથી ટેબલ, રાખડી, કંકુ-તિલક અને મીઠાઈની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી કોઈ પણ બહેન પોતાના ભાઈને રાખડી બાંધવાથી વંચિત ન રહે. જેલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ જેલ અધિકારી બલભદ્રસિંહ રાયજાદા અને જેલ સ્ટાફની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બહેનોએ ભાઈઓને કંકુ તિલક કરી, રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું હતું. આ તકે બહેનો પોતાના કેદી ભાઈઓની વહેલી તકે જેલમાંથી મુક્તિ થાય તેવી ઈશ્વર ચરણોમાં પ્રાર્થના કરતી નજરે પડી હતી. જેલમાં બંધ કેદીઓ પણ પરિવાર સાથે થોડો સમય વિતાવીને તહેવારની ખુશી વ્યક્ત કરી શક્યા હતા. જામનગર જિલ્લા જેલમાં દર વર્ષે રક્ષાબંધનના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. ભાઈ-બહેનના પવિત્ર અને અમર સંબંધને સાર્થક કરવા તેમજ બંદીવાનોને પણ આ લાગણીસભર પર્વની અનુભૂતિ થાય તે હેતુથી જેલ સત્તાધીશો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. લાંબા સમય બાદ પોતાના બંદીવાન ભાઈને મળવાનો અવસર મળતાં અનેક બહેનોની આંખોમાં આંસુ છલકાયા હતા. જેલની દિવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના સંબંધનો અતૂટ પ્રેમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *