Surat:સ્મીમેરમાં યુવતીના મોત કેસમાં પ્રેમી દિલીપ સામે રાજસ્થાનમાં અપહરણનો ગુનો, પીએમ રિપોર્ટમાં કુદરતી મોત

📅 Published: August 28, 2026 | 📂 Category: Surat

સુરતની સ્મીમેર (SMIMER) હોસ્પિટલમાં પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકાને સારવાર અર્થે દાખલ કર્યા બાદ છોડીને ફરાર થઈ જવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજતાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મૃતક યુવતી મૂળ રાજસ્થાનની વતની હતી અને આરોપી દિલીપ તેને રાજસ્થાનથી સુરત લઈને આવ્યો હતો.

પ્રેમી દિલીપ સામે રાજસ્થાનમાં અપહરણની ફરિયાદ

સુરતમાં યુવતીની તબિયત અચાનક લથડતાં તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનો પ્રાણપંખેરો ઊડી ગયો હતો. યુવતીના મોત બાદ આરોપી દિલીપ હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયો હતો. બીજી તરફ, રાજસ્થાનના બાલોત્રા જિલ્લા હેઠળ આવતા ગુડામાલાણી પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના પિતાએ આરોપી દિલીપ વિરુદ્ધ પોતાની પુત્રીનું અપહરણ કરી જવા અંગેની વિધિવત ફરિયાદ નોંધાવી હતી. 

ડોક્ટરોએ મોત કુદરતી હોવાનું જણાવ્યું

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજસ્થાન પોલીસ સુરત આવી પહોંચી હતી અને સુરતના વરાછા પોલીસ સ્ટેશનના સંપર્કમાં રહીને યુવતીના શબનું પોસ્ટમોર્ટમ (PM) કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પેનલ ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પીએમ રિપોર્ટમાં યુવતીનું મોત કોઈ શંકાસ્પદ કારણોસર નહીં પરંતુ કુદરતી રીતે થયું હોવાનું સામે આવ્યું છે. પીએમ રિપોર્ટ બાદ હાલ રાજસ્થાન પોલીસે આ સમગ્ર કેસમાં અપહરણની ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ અને આરોપી દિલીપને ઝડપી પાડવાની તજવીજ તેજ કરી છે.

આ પણ વાંચો: Kalavad: જીવાદોરી સમાન બાલંભડી ડેમમાંથી કેનાલ દ્વારા પિયત માટે છોડાયું પાણી, ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જતાં બચ્યો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *