Surat: વ્હોટ્સએપ-ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડમાં 5.98 લાખની ઠગાઈ કરનાર રત્નકલાકાર સંજય બારૈયા ઝડપાયો

📅 Published: August 28, 2026 | 📂 Category: Surat

સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટ ટાઇમ કમાણી અને ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાની લાલચ આપી નાગરિકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરતી સાયબર ગેંગ સામે સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે લાલ આંખ કરી છે. વ્હોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ (Telegram) એપ્લિકેશન પર ફ્રોડ મેસેજ મોકલીને એક ફરિયાદી પાસેથી અલગ-અલગ તબક્કે રૂ. 5,98,800 ની રકમ પડાવી લેવામાં આવી હતી.

સુરત સાયબર ક્રાઇમ સેલનો મોટો પર્દાફાશ

આ મામલે ફરિયાદીની અરજીના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટ્સની વિગતો મેળવીને તપાસ શરૂ કરી હતી.સાયબર ક્રાઇમ પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ફરિયાદી પાસેથી ઠગાયેલી રકમ પૈકી રૂ.1 લાખની રકમ સંજય લાલજીભાઈ બારૈયા નામના ઇસમના બેંક એકાઉન્ટમાં જમા થઈ હતી. પોલીસે તાત્કાલિક દરોડો પાડી સંજય બારૈયાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી પોતે રત્નકલાકાર તરીકે કામ કરે છે અને તેણે કમિશનની લાલચે પોતાનું બેંક ખાતું સાયબર ફ્રોડ કરતી ગેંગને ભાડે આપ્યું હતું.

આરોપી સંજય બારૈયાની ધરપકડ

આરોપી સંજય બારૈયાના બેંક એકાઉન્ટની ઊંડાણપૂર્વક ચકાસણી કરતાં તેમાં અગાઉ પણ રૂ. 7,11,475 ના શંકાસ્પદ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આરોપી સંજય બારૈયાની ધરપકડ કરી આ રેકેટ ચલાવનાર મુખ્ય સાયબર ઠગો અને સૂત્રધારોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: Suratના અલથાણમાં 8 JCB સાથે કાંકરા ખાડી પહોળી કરવાનું શરૂ, ખાડી પૂર નિવારણ સમિતિની સોમવારે નિર્ણાયક બેઠક



📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *