અમદાવાદના સિંગરવા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય નટુભાઈ મકવાણા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમનો 25 વર્ષીય પુત્ર ભદ્રેશકુમાર અસલાલીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ભદ્રેશ પોતાની બહેન ભૂમિના નામે ખરીદેલા બાઈકનો ઉપયોગ નોકરીએ જવા-આવવા માટે કરતો હતો. ગત 27 ઓગસ્ટના રોજ ભદ્રેશ નોકરીથી છૂટીને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન હાથીજણ સર્કલ પાસે આવેલા એક્સપ્રેસ બ્રિજ નજીકના સર્વિસ રોડ પર તે પાન-મસાલાની પુડીકી ખાવા માટે ઉભો રહ્યો હતો. ગંભીર ઈજાઓથી ભદ્રેશભાઈનું નિપજ્યું મોત
ભદ્રેશ સર્વિસ રોડ પર ઉભો હતો ત્યારે પુરઝડપે આવી રહેલા એક ટેન્કરના ચાલકે તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં ભદ્રેશ બાઈક સાથે ટેન્કર નીચે આવી જઈને ઢસડાયો હતો, જેના કારણે તેને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા ભદ્રેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રક્ષાબંધનના એક દિવસ પહેલા બહેને એકનો એક ભાઈ ખોયો:હાથીજણ રિંગરોડ પર એક્સપ્રેસ બ્રિજ નજીક ટેન્કર ચાલકે યુવકને અડફેટે લેતા મોત
📅 Published: August 28, 2026 |
📂 Category: gujarati-news
