કાકા-ભત્રીજાની આદિશ્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સાથે 1.45 કરોડની ઠગાઈ:સેલ્સ એક્ઝિક્યુટિવ ભાવિક શાહે ગ્રાહકો પાસેથી મળેલા નાણાં પત્ની અને કાકાની સાગર ઇન્ફ્રા.માં ટ્રાન્સફર કર્યા

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આદિશ્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં રૂ.1.45 કરોડની માતબર રકમની ઉચાપત આચરાઈ હોવાનો સન્સનીખેજ બનાવ સામે આવ્યો છે. કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા ભાવિક શાહે ગ્રાહકો પાસેથી મળેલા કલેક્શનના નાણાં કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં લઈ ચાંઉ કરી લીધા હતા, જેનો પર્દાફાશ એક ગ્રાહકની ઓડિયો રેકોર્ડિંગથી થયો હતો. ભાવિકે આદિશ્વર ઇન્ફ્રા.ના નામે માલ મેળવી બારોબાર વેચી દઈ તેના નાણાં પત્ની ખુશ્બુ શાહ તથા કાકા મનોજ શાહની ‘સાગર ઇન્ફ્રા.’ નામની કંપનીમાં ટ્રાન્સફર કરી કમિશન મેળવીને ઠગાઈ આચરી હતી. આ સિવાય ડાયરીમાં ખોટી સહીઓ કરીને આચરવામાં આવેલા કૌભાંડ અંગે સેટેલાઇટ પોલીસે મનોજ શાહ, ભાવિક શાહ અને ખુશ્બુ શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડાયમંડ અને સોનાના દાગીના મળી રૂ.6.90 લાખની ચોરી
મેમનગર સ્થિત સિમા સોસાયટીમાં રહેતા અને નવરંગપુરામાં લોખંડનો વેપાર કરતા દલિપ થીરાનીના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ.6.90 લાખના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. ગત ગુરુવારે દલિપભાઈ ગાર્ડનમાં હતા ત્યારે તસ્કરોએ મકાનના પહેલા માળે આવેલી બેઠકરૂમની લોખંડની ગ્રીલ પહોળી કરી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટ તથા ડ્રોઅરમાંથી હીરા-સોનાના દાગીના તેમજ રૂ.20 હજાર રોકડા ચોરી લીધા હતા. આ બનાવ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું સુરાગ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. OLX પરથી બે ફોન ખરીદી 1.79 લાખની ઠગાઇ આચરી
જનતાનગરમાં રહેતા અને ઓનલાઈન ફોન લે-વેચનું કામ કરતા જયમીન પરમાર સાથે રૂ.1.79 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. જયમીને OLX પર મૂકેલા બે મોબાઈલ ફોન ખરીદવાના નામે મણિનગરના રહીશ તરીકે ઓળખ આપનાર ઉમંગ કારિયા નામના શખ્સે રૂ.1.90 લાખમાં ડીલ નક્કી કરી હતી. ત્યારબાદ માત્ર રૂ.14 હજાર ઓનલાઈન ચૂકવી બાકીની રકમનો આપેલો ચેક બેંકમાં બાઉન્સ થયો હતો. તપાસ દરમિયાન ઉમંગ મૂળ રાજકોટનો હોવાનું અને તેણે નાણાં ચૂકવવામાં ગલ્લા-તલ્લા કરી છેતરપિંડી આચરી હોવાનું ખુલતાં જયમીને ચાંદખેડા પોલીસ મથકે ઉમંગ કારિયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં કબ્જે થયેલી કારની છેતરપિંડી
ચાંદખેડામાં રહેતા દિપક મકવાણા નામના ગઠિયાએ દિલ્હી પાસિંગની એક કાર ડીલરને વેચાણ આપવાના નામે ઠગાઇ આચરી છે. આરોપીએ મુળ કાર માલિકના બદલે અન્ય સાથે મુલાકાત કરાવીને બાકી ઇ-ચલણ ભરાઇ ગયા હોવાનું જુઠ્ઠાણુ ચલાવીને ઠગાઇ આચરી હતી. આરોપીએ ઠગાઇ આચરવા મામલે નવરંગપુરામાં અરજી થઇ હોવાથી પોલીસે કાર કબ્જે પણ લીધી હતી. કાર કબ્જે હોવા છતાંય આરોપીએ ડીલ કરીને દોઢ લાખ મેળવી લેતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સામે કાર્યવાહી
સાયબર ફ્રોડ આચરતી ગેંગ છેતરપિંડીના નાણાં ભાડે રાખેલા બેંક એકાઉન્ટમાં જમા કરાવતી હોવાની તપાસ ચાલી રહી હતી. તે દરમિયાનમાં ખાડિયા પોલીસની સાયબર ટીમે ઓપરેશન મ્યુલ હંટ હેઠળ એક મ્યુલ એકાઉન્ટ શોધી કાઢ્યું હતું. રોહીત રાજપુત નામના એકાઉન્ટ ધારકે સાયબર ફ્રોડની 18 હજારની રકમ પોતાના ખાતામાં મેળવી હોવાનું સામે આવતા ખાડિયા પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે. આ સાયબર ફ્રોડની રકમ મામલે ઓરિસ્સામાં ગુનો નોંધાયો હોવાથી ખાડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલડી અને વસ્ત્રાપુરમાં બે યુવકો સાથે સાયબર ફ્રોડ
પાલડી ગામમાં રહેતા અને સોફ્ટવેર કંપનીમાં નોકરી કરતા યુવકે ટેલિગ્રામ પર ‘ગુજરાતી ટ્રેડર’ નામની ચેનલની જાહેરાત જોઈ વધુ નફાની લાલચે રોકાણ કર્યું હતું. ગઠિયાઓએ રોકાણ તથા વિવિધ ચાર્જ પેટે રૂ.75 હજાર મેળવી લઈ મૂડી કે નફો પરત ન આપતાં યુવકે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં વસ્ત્રાપુરમાં રહેતો યુવક ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યો હતો ત્યારે સાયબર ગઠિયાઓએ તેનો મોબાઈલ હેક કરીને રૂ.20 હજાર તારવી લીધા હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી હેકર્સ અને ગઠિયાઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *