પાટડી પાસે મજૂરો ભરેલું વાહન પલટતાં એકનું મોત:કચોલીયા ગામે તાર ફેન્સીંગના કામ વડગામના યુવકને કાળ ભેટ્યો, 7 લોકો ઇજાગ્રસ્ત

📅 Published: August 28, 2026 | 📂 Category: gujarati-news

પાટડી તાલુકાના કચોલીયા ગામે તાર ફેન્સીંગના કામ માટે જઈ રહેલું મજૂરો ભરેલું વાહન પલટી ખાઈ ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં વડગામના એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે વાહનચાલક સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના માલવણ હાઈવે પર ટોલ ટેક્સ પાસે ઉમા સંકુલ નજીક બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, વડગામના મજૂરો રાકેશ જીવાભાઈ ખેરની મારૂતિ સુપર કેરી વાહનમાં કચોલીયા ગામે તાર ફેન્સીંગના કામ માટે જઈ રહ્યા હતા. પુરઝડપે જઈ રહેલા વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન ડિવાઈડર પર ચઢી રોડ પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માતમાં સુપર કેરી વાહનમાં સવાર 21 વર્ષીય રાહુલ જયંતીભાઈ વાઘેલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોમાં વાહનચાલક નવઘણ રતુભાઈ વાઘેલા, મહેશભાઈ, ધવલભાઈ, રાકેશભાઈ, સુનિલભાઈ અને રોહિતભાઈનો સમાવેશ થાય છે. તેમને શરીરે વિવિધ ઇજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે વિરમગામની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક રાહુલ વાઘેલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારની ફરિયાદના આધારે બજાણા પોલીસે સુપર કેરીના ચાલક નવઘણ રતુભાઈ વાઘેલા વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ બજાણા પોલીસ મથકના જે.એમ. વઢેર ચલાવી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *